![](https://sunvillasamachar.com/wp-content/uploads/2025/02/12-2-1024x476.jpg)
સરિકા ખૂબ જ સરળ સ્વભાવ ધરાવે. માતા પિતાની સેવા પણ એટલી જ કરે. ખૂબ જ શાંત, સંસ્કારી અને આધ્યાત્મને વળગેલી દીકરી મોટી થતા તે વધારે આધ્યાત્મિક બનતી ગઈ. ઈશ્વરની સમીપ જવાના રસ્તા એ શોધ્યા કરતી. તેની બધી જ બહેનપણીઓ નવરાશના સમયમાં પાર્ટીઓમાં જોડાતી પણ સારિકા ઘરકામ અને ઈશ્વરમાં ખોવાયેલી જ રહેતી.એક દિવસ તેની કોલેજમાં આવા જ એક પ્રખ્યાત સંતના શિષ્ય આવ્યા. તેમણે ઈશ્વર અને ભક્તના અનુસંધાને ભક્તિની ખૂબ જ અનેરી વાતો કરી અને એમના ભાષણ અને ઉદાહરણોથી સારિકા ખૂબ જ પ્રભાવિત થઈ. સારિકા ત્યારથી જ તેની મિત્ર બની ગઈ. ધીમે ધીમે સારિકાએ આ શિષ્યનો પીછો કર્યો અને શિષ્ય સાથેની એક-બે મુલાકાતોમાં તેઓ એકમેકની નજીક આવી ગયા અને સારિકા લગ્ન વગર તેની સાથે રહેવા લાગી અને ઘરેથી ભાગી નીકળી. તમે છતાં સારિકાને ઘેર દીકરીનો જન્મ થયો. પેલા શિષ્યએ તો દીકરીને પોતાનું નામ આપવાની ના જ પાડી અને બંનેને છોડી અને પોતે ચાલ્યો ગયો. સારિકા તેની દીકરીને લઈ ફરી માવતરના ઘરનું બારણું ખખડાવે છે. દરવાજો ખોલતાં તેણી એ તેના પિતાને કહ્યું થોડા વર્ષ પહેલાં તમે એક દીકરી ખોઈ હતી. આજે બે દીકરીઓ તમને પાછી મળી તેને સ્વીકારો. માતાપિતા પ્રથમ તો ખુશ થયા. પણ પછી સારિકા પર તડુક્યા પણ સારીકા તો ત્યાં જ રહેવાનું નક્કી કરીને આવી હતી. આમ, પણ ધરતીનો છેડો ઘર..ઉપરોક્ત કિસ્સાને અત્યારના ડંકી સાથે જોડી શકાય છે. વિદેશમાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને ફરી ભારતમાં મોકલવાની વાતને સાંકળીએ તો સારિકા લગ્ન કે માતા પિતાની રજા વગર ગેરકાયદેસર રીતે પેલા શિષ્ય ભાગી ગઈ અને બંનેની એક દીકરી થઈ પણ પછી શિષ્ય તેને અપનાવવાની ના કહી કારણ કે તે બંનેના લગ્ન થયા ન હતા અને તેનો ઇરાદો બદલાઈ ગયો. હવે સારીકા માતાપિતાના ઘેર પાછી આવી. તેમ અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતાં ભારતીયોને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા ત્યારે બધાને ફરી ભારત પોતાના વતનમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે ભારત સરકાર તેને કોઈ કાર્યવાહી વગર અપનાવે તે જ મોટી વાત છે કારણ કે તેઓ સરકારને છેતરીને અમેરિકા ગયા હતા. પરંતુ અત્યારે સરકાર પર આક્ષેપો મૂકવામાં આવે છે કે પ્રવાસીઓને લેવા પ્લેન ન મોકલ્યા ભારતીય અમેરિકાના મિલેટરી એરક્રાફ્ટને બદલે વિમાન મોકલી નાગરિકોને સન્માનપૂર્વક પરત લાવવા જોઈએ. આવી માંગ ઉઠી છે કહે છે યુક્રેનથી ભારતીયોને પરત લાવવા કરાયેલ એરક્રાફ્ટનો ઉપયોગ અત્યારે કેમ ન કર્યો? તો બીજી બાજુ સરકારનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય નિયમોને આધારિત ભારત સરકાર અત્યારે આ મામલાના કોઈ જ હસ્તક્ષેપ કરી શકે એમ નથી અને કહ્યું કે ભારતીય નાગરિકોને યોગ્ય રીતે અને સન્માનપૂર્વક ભારત મોકલવામાં આવે તે અંગે તે અમેરિકી સરકારને ચોક્કસ જાણ કરશે આને કહેવાય છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય…….
“મંથનમોતી”
ખોટું થતું હોય ત્યાં ખુલીને વિરોધ કરો કારણ કે ભીષ્મ પિતામહ હોય કે પછી કર્ણ તેઓ ખરા સમયે વિરોધ ન કરી શક્યા જેને કારણે ઈચ્છા મૃત્યુ હોવા છતાં વિનાશનો હિસ્સો બન્યા.