
હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. હમણાં જ માતૃભાષા દિવસ ગયો, પણ ચિંતનનાં વિષયો નક્કી હોય એટલે એ દિવસે એની પર લખાયું નહીં. માતૃભાષા એટલે આપણે જ્યાં જન્મીને જે શીખ્યાં ત્યારથી જે બોલી બોલીએ એ! અને એ રીતે આપણી માતૃભાષા ગુજરાતી. કોઈ પણ ભાષાની અભિવ્યક્તિ સાહિત્ય દ્વારા થાય, અને આપણે ત્યાં સાહિત્યનાં નવ રસ છે. એમાં શ્રૃંગાર, હાસ્ય, વીર, કરુણ, રૌદ્ર, બિભત્સ, ભયાનક, અદભૂત, અને શાંત. મોટેભાગે બધાનાં જીવનમાં હવે હાસ્યરસની કમી થતી જાય છે, અને મેડિકલ સાઈન્સ દ્વારા સાબિત કરવામાં આવ્યું છે કે, હાસ્ય એ એક ઔષધિ છે. મનોરંજનનાં સાધનોમાં ટીવી, ફિલ્મ, કે સિરીઝ જે જુવો તે અત્યારે બિભત્સ અને ભયાનક રસની અતિશયોક્તિથી ભરેલા હોય, અથવા તો ષડયંત્રથી ભરેલ પારિવારિક રાજકારણ! એટલે
સાવ નિર્દોષ હાસ્ય માટે ઈન્સ્ટાગ્રામ પરની રીલ જોતી હતી, તો એમાં ડો નિમિત્ત ઓઝાની માતૃભાષા પરની એક રીલ જોઈ! અને એમણે કહ્યું કે આપણે ઘરમાં ખોટું સાચું ઈંગ્લીશ શું કામ બોલવું જોઈએ? સો ટકા એમણે પોતાનાં ફોલોવર્સ ને સાચી જ શીખ આપી છે! અને આ રીલનો સંદર્ભ લેવાનું તાત્પર્ય માત્ર આટલું જ હતું. પણ આ જ વાતને જરાક જુદી રીતે મુલવીએ! અમુક ઈંગ્લીશ શબ્દો આપણી માતૃભાષાનાં જ હોય, એમ આપણાં જીવનમાં વણાઈ ગયાં છે, અને એને તમે કેમ છોડી શકો! તો ચાલો આજે માતૃભાષા દિવસને જુદી રીતે જોઈએ. માતૃભાષા દિવસે આપણે આપણી ભાષાને જ મહત્વ આપવું, એવાં કેટલાંય વિડીયો અને મેસેજ આવ્યા! ખરેખર આપવું જ જોઈએ પણ છતાં..
થેંક્યું, સોરી, પ્લીઝ, બ્યુટીફુલ, વેરી ગુડ, બેસ્ટ, શોપિંગ, ફ્રેન્ડ, ડાયેટ પ્લાન, નયુટ્રીશન વેલ્યુ, નોલેઝ, લીસ્ટ, બિલ, ડીલ, ડીગ્રી, ફાઈનલ, ડાઉટ, ઓફ કોર્સ, ઈવન, પ્રેગ્નન્સી, ઓફિસ, મશીન પ્રેઝન્ટેશન, આમ શોધવાં બેસીએ તો લાઈક થી લવ સુધીનાં આપણી રોજિંદી બોલીમાં બોલાતાં આવાં શબ્દોનું લાંબુ લીસ્ટ થાય! દાખલા તરીકે આપણે કોઈ સાથે ભટકાઈ એ તો સ્વાભાવિક સોરી બોલાઈ જાય, અને આપણાં હાથમાં કોઈ વસ્તુ હોય એ કોઈ ઉઠાવી ને આપે એટલે, થેન્કસ જ બોલાય જાય, કોઈ સારું કામ કરે તો વેરી ગુડ, સુંદર જોઈએ તો વેરી બ્યુટીફુલ વગેરે. લાઈટ નું બિલ, ટેલિફોન નું બિલ, ઘરનાં સાધનો ફ્રીઝ, મોબાઈલ, રિચાર્જ, ચાર્જર, બેટરી, ટીવી, એસી વોશિંગ મશીન જેવાં શબ્દો ઈંગ્લીશ જ છે! છતાં આપણે એકદમ સહજ બોલીએ છીએ! અને ઘણાં શબ્દો તો એવાં છે, જેનું ગુજરાતી પણ ઘણાં જાણતાં નહીં હોય! જેમ કે આપણાં વ્યસાય એટલે કે પ્રોફેશનમાં ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પ્રોફેસર, કોન્ટ્રાક્ટર, મિકેનીક, નર્સ, એડવોકેટ, પાયલોટ, ઇન્સ્પેક્ટર, પોલીસ, કુક, ડ્રાઈવર, પ્લેયર, ક્રિકેટર વગેરે અને જે તે વિષયનાં નિષ્ણાત હોય એણે આગળ માસ્ટર જ લખ્યું હોય છે! સ્કૂલ, કોલેજ, કોચિંગ, યુનિવર્સિટી ટ્યુશન વગેરે.. કોર્ટ પણ ઈંગ્લીશ શબ્દ જ છે, અને આજેપણ જજ ચૂકાદો સંભળાવે ત્યારે ઓર્ડર ઓર્ડર જ બોલે છે! આદેશ.. આદેશ.. એમ નથી બોલતાં! વીટામીન, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, બ્લડ, હિમોગ્લોબિન, કોલસટ્રોલ, કે , ટીબી, કેન્સર, બીપી, હાર્ટએટેક, વેઇન બ્લોક, ડાયાબિટીસ, એબોસિટી, વાયરલ ઇન્ફેક્શન, ઈન્જેકશન, ટ્યુબ, કેપ્સ્યુલ જેલ, પેસ્ટ. જમવામાં ચીઝ, બટર, પનીર, મિલ્ક, યોગર્ટ, અને ચોકલેટ, કેક, પેસ્ટ્રી, કુકીઝ વગેરે એનાથી પણ આગળ જઈએ તો પચાસની નોટ, સોની નોટ અને પાંચસોની નોટ માં પણ નોટ ઈંગ્લીશ શબ્દ છે!; ટૂંકમાં આ શબ્દો આપણાં જીવનનો હિસ્સો બની ગયાં છે, એ સત્ય નકારી શકાય એવું નથી. પહેલાં પણ લોકો બોલતા જ! કારણ કે અંગ્રેજો એ આપણી પર લગભગ 200 વર્ષ રાજ કર્યું! 1608 માં વેપાર અર્થે આવેલાં બ્રિટિશરો એ પગ પેસારો કર્યો, અને 1757 થી 1947 સુધી રહ્યાં ! ગાંધીજી સરદાર નહેરું વગેરે વિદેશમાં જઈને બાર કાઉન્સિલ ની ડીગ્રી મેળવી, અને આઝાદીની લડતમાં બ્રીટીશરો સાથે ઈંગ્લીશમાં જ બોલતાં, અને એ રીતે જ આઝાદી સુધી એમની સાથે કોમ્યુનિકેશન કર્યું.
ગુજરાતી સભ્ય સમાજ એ બે ત્રણ કારણોથી આ શબ્દોને સહજ સ્વીકારી લીધાં છે! એનું પહેલું કારણ આપણે જોયું એમ અંગ્રેજ શાસન ની આ દેન છે કે ભેટ છે! બીજું સંતાનો, 45 થી 55 વર્ષનાં વયસ્કોને જીવનમાં ઘણાં બધાં સમાધાન કરવાં પડતાં હોય છે! કારણ કે નહીં તો વધતાં જતાં જનરેશન ગેપને રોકીશું કેમ ? ઈંગ્લીશ મીડિયામાં ભણેલા સંતાનો માટે અમુક શબ્દો સહજ છે, જમવાની વાત હોય, પહેરવેશ ની વાત હોય, શોખ ની વાત હોય, છોકરાં છોકરી સાથેની ફ્રેન્ડશીપ ની હોય, ફરવાની એટલે કે ટૂર પર જવાં માટે હોય, અને ટીવી વગેરે જોવાની વાત હોય, આપવા લેવાનાં વ્યવહારની એટલે કે ગિફ્ટ ની વાત હોય, તો ત્યાં આપણાં આગ્રહો એને આપણાથી દૂર લઈ જાય, અને એ હવે પોષાય એમ નથી. હજી એક એવું કારણ છે કે જે સૌથી મહત્વનું છે, અને એ છે અન્ય દેશમાં આપણી સંસ્કૃતિને લઈ જવી, અને ત્યાંના લોકોને એનાથી આકર્ષિત કરવા, સૌની સાથેનો આત્મિયતા ભર્યો વ્યવહાર જોઈને, એને સનાતન સંસ્કૃતિ વિશે વિચારતા કરવાં! અને આ રીતે આપણી સંસ્કૃતિનું વર્ચસ્વ વધારવું! જે આપણી સરકાર કરી રહી છે! અને એ રીતે અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા અને જર્મની જેવાં ક્રિશ્ચન દેશોમાં મીની ઈન્ડિયા હવે જીવે છે, ભલે વેપાર અર્થે, પણ ત્યાં આપણી દરેક ચીજવસ્તુઓ મળે છે, અને એ લોકો પણ આપણાં પહેરવેશ તહેવાર કે ખાણીપીણીથી પ્રભાવિત થયા છે!
કોઈપણ બે અલગ અલગ સંસ્કૃતિનાં લોકો મળે ત્યારે એમની વચ્ચે કોમ્યુનિકેટ કરતું કોઈ માધ્યમ હોય તો એ ભાષા છે! સોરી કે થેન્કસ એ શબ્દ ભલે અંગ્રેજી હોય, પણ એ સમયે આપણી ભૂલ થઈ છે, કે કોઈ મદદ કરે તો આભાર નો ભાવ ઉપસ્થિત થવો, એ માનવતા એવંમ સનાતન સંસ્કૃતિની જ ગરિમા વધારતી વાત છે. સાંપ્રત સમયનાં સમાજમાં યુવાનો માટે લગ્ન કે પરિવાર ની પ્રણાલી પણ તૂટતી જાય છે, ત્યારે શું એવું નથી લાગતું, કે કોઈ પણ વાતનાં કે જાતનાં આપણાં આગ્રહો વધુ ખરાબ પરિણામ માટે કારણભૂત બની શકે એમ છે! છેલ્લે માતૃભાષા દિવસે જેટલાં જેટલાં એ આવાં મેસેજ મુક્યાં છે એમને એક સવાલ, કે શું તે ઉપર જણાવેલ શબ્દો વ્યવહાર બોલીમાં નથી વાપરતાં? મારા ઘરની યંગ જનરેશન ની વાત કરું તો વર્ક ફ્રોમ હોમ વખતે જે ઓફિસ કોલ આવે ત્યારે એમનું અંગ્રેજી સાંભળીને પ્રાઉડ ફિલ થાય! પણ પછી ઘરમાં એવો ક્યારેય પોતે આટલાં નોલેજીબલ છે, એવું દેખાડતાં નથી! પ્યોર નાગરી અને એ પમ કાઠિયાવાડી લહેકા સાથે. તો આપણી ભાષાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા માતૃભાષાની મુલવણી સકારાત્મક રીતે કરી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


