ગુજરાતની વર્તમાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સાથે ભુપેન્દ્ર પટેલ સરકારની કામગીરીની સમીક્ષા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દિલ્હીમાં વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી સમક્ષ કરી આવ્યા છે.એટલું જ નહીં પાટીદારો સામેના કેસ પાછા ખેંચવા અંગે પણ હાઇકમાન્ડ સાથે ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે, જેથી પાટીદારોના કેસો અંગે પણ આખરી નિર્ણય હાઇકમાન્ડ કરશે. ગઈ કાલે ભાજપના સાંસદોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ઓચિંતી મુલાકાત કરતાં ગમે તે ઘડીએ પાટીદારો સામેના કેસ પાછા ખેંચાય તેવી ચર્ચાઓ થઈ રહી છે.
હર્ષ સંઘવીએ મોદી અને શાહ સાથે મુલાકાત કરી
ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાલમાં જ દિલ્હી જઈ આવ્યા હતા, જ્યાં તેઓએ ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગુજરાત સરકારની કામગીરીની સાથે આગામી વિધાનસભાની ચૂંટણી અંગે પણ ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે. હર્ષ સંઘવીની અને ભાજપના બે દિગ્ગજ નેતા સાથેની મુલાકાતમાં રાજ્યની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબુત બનાવવા માટે માર્ગદર્શનની સાથે કેટલાક આદેશોની પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
મોદી અને શાહની સંમતિ બાદ રાજ્ય સરકાર નિર્ણય લઈ શકે
ગુજરાત ના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની દિલ્હી મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદારો પર થયેલા કેસ પાછા ખેંચવા અંગેની પણ વિગતવાર ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે જેમાં ભાજપના દિલ્હી હાઇકમાન્ડ ની આગામી સૂચના બાદ પાટીદારો પર ના કેસ પાછા ખેંચવામાં આવી શકે છે, એટલે કે, પાટીદારો ના કેસ પાછા ખેંચવા અંગે મોદી-શાહ ની સંમતિ મળ્યા બાદ જ ગુજરાત સરકાર આખરી નિર્ણય લઈ શકશે.
ભાજપના સાંસદોએ મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી
પાટીદાર અનામત આંદોલન મુદ્દે ભાજપના તમામ પાટીદાર સાંસદો રમેશ ધડુક, મોહન કુંડારિયા, શારદાબેન પટેલ, એચ.એસ પટેલ, મિતેષ પટેલ, નારણ કાછડીયા ગઈકાલે CMને રજૂઆત કરવા પહોંચ્યા હતાં.4 દિવસ પહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના દિનેશ બાંભણિયા સહિતના બિનરાજકીય લોકોએ મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં લાંબા સમયથી બાકી રહી ગયેલા પાટીદાર આંદોલન સમયના કેસ પાછા ખેંચવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં લેઉઆ પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, કડવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા ઉમિયા માતા સંસ્થાન, ઊંઝાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.