સ્ટીલ પર નિકાસ ડ્યૂટીની જાહેરાતથી મેટલ ઈન્ડેક્સ વર્ષના તળિયે પહોંચ્યો હતો. તાતા સ્ટીલ, જેએસડબ્લ્યૂ, એનએમડીસી સહિતના મોટાભાગના સ્ટીલ શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. સરકારે આયર્ન ઓર અને અમુક સ્ટીલ ઈન્ટરમિડિયેરીઝ પર એક્સપોર્ટ ડ્યુટી લાદતાં મેટલ સેક્ટરમાં નિરાશા જોવા મળી હતી.મેટલ ઈન્ડેક્સમાં બે વર્ષનો સૌથી મોટો કડાકો નોંધાયો હતો. ઉદ્યોગ નિષ્ણાતોએ સ્ટીલ સેક્ટર માટે સરકારનું સૌથી ખરાબ પગલું ગણાવ્યુ છે. સરકારે આયર્ન ઓરમાં 50 ટકા સુધી અને અમુક સ્ટીલ ઈન્ટરમિડિયેરીઝમાં 15 ટકા ડ્યૂટી વધારી છે. ભારત સ્ટીલ પ્રોડ્કટ્સ માટે નિકાસની તકો ગુમાવી શકે છે. તે અંતે ઈકોનોમી પર અસર કરશે. અન્ય દેશોને ગ્લોબલ માર્કેટમાં હિસ્સો વધારવા તક મળશે. બીજી બાજુ સ્થાનિક સ્તરે ભાવો ઘટશે.કુલ નિકાસોમાં તાતા સ્ટીલ, જેએસડબ્લ્યૂ, જેએસપીએલ જેવી મોટી સ્ટીલ કંપનીઓ 15થી 20 ટકા હિસ્સો ધરાવે છે. સ્ટીલની ઉંચી કિંમતોને કાબુમાં લેવા માટે સરકારે આ પગલું ભર્યું છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ મોટા પાયે વપરાશ થઇ રહ્યો છે ત્યારે આ સેક્ટરની કિંમતો પણ ઉંચી આવી છે જેના કારણે છેલ્લા કેટલાક સમયથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા તમામ સેક્ટરે સ્ટીલ, સિમેન્ટ તથા લોખંડની કિંમતો પર સરકાર અલગ પોલિસી ઘડે અથવા તો ભાવ ઘટાડા માટેના કોઇ યોગ્ય પગલા ભરે તેવી માગ હતી.તેને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો છે. સેક્ટરોરલ ઇન્ડેક્સમાં સૌથી વધુ મેટલ્સ ઇન્ડેક્સ 8 ટકાથી વધુ ઘટ્યો હતો. જ્યારે એનર્જી, હેલ્થકેર, ટેલિકોમ તથા ઓઇલ એન્ડ ગેસમાં પણ ઘટાડાનો માહોલ હતો.