
ચૈત્રી નવરાત્રીનાં બીજા દિવસે મા બ્રહ્મચારિણીને નમન કરીએ, અને આપણાં વૈશ્વિક શાંતિનાં શુદ્ધ સંકલ્પને સ્વીકારે એવી પ્રાર્થના કરીએ. બ્રહ્મચારિણી એટલે બ્રહ્મ જેવું આચરણ કરવા વાળી વ્યક્તિ એવો પણ એક અર્થ કરીને આપણે જીવ સહજ ભાવનાથી જરાક ઉપર ઉઠીને બ્રહ્મ જેવું સહજ સરળ આચરણ કરીએ. કુંડલીની જાગરણની શાસ્ત્રીય રીતે સાત્વિક તાત્વિક જાણકારી અને એનો આપણે અમલમાં મૂકી શકાય એવો સરળ અર્થ કરીને આ ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાનનો આરંભ કર્યો છે. ભગવત ગીતામાં ભગવાન યોગ યોગેશ્વર કૃષ્ણએ પણ કહ્યું છે કે નિત્ય સંન્યાસી એ છે, જે પોતાને દરેક પરિસ્થિતિમાં સમ રાખી શકે! અને સમ રહી માનવ સહજ ઉદારતા, શૂરવીરતા, માનવતાવાદી, તેમજ સહિષ્ણુતાના ગુણોને ખીલવી જીવનને નિર્મળ અને પવિત્ર બનાવી શકે. આપણામાં આ ચારે ચાર ગુણ આજે પણ છે પરંતુ આપણી એને જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. ઉદાર આપણે અન્ય માટે બનવાનું હતું, એની બદલે ખુદ માટે બની ગયાં. એટલે કે આપણી ભૂલોને ઉદારતાથી આપણે માફ કરી એ તરફ દુર્લક્ષ સેવ્યું! શૂરવીરતા એટલે કે દિન દરિદ્ર અથવા તો જેની સહાય કરવાની હતી, એ પરિવાર, સમાજ, કે દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના કેળવવાની હતી, પણ આપણે આપણી જરૂરિયાતનો જંગ ખેલતાં રહ્યાં! અને એટલે જ સતત હું અને મારું એમાં માનવતા પણ વિસરાઈ ગઈ. પોતાની જાત પર સંયમ રાખી સહિષ્ણુતા બતાવવાની હતી, પણ આપણે તો આપણા ધર્મ પર પ્રહારો થયાં છતાં સહિષ્ણુ બની તમાશો જોતા રહ્યાં! ખેર જે થવાનું હતું તે થઇ ગયું! પણ હજી પસ્તાવો થતો હોય અને યુગ નિર્માણ કે વૈશ્વિક શાંતિ કે પછી તૂટતી જતી પરિવાર વ્યવસ્થા બચાવવા માટે આપણાથી કંઈક થાય એવું જો ખરેખર ઈચ્છતા હોઈએ તો આ નવરાત્રિ એ ખુદ માટે કોઈ સિદ્ધીનો મનોરથ ત્યજીને મા જગદંબાને ચરણે જવું પડશે.
કુંડલીની જાગરણ એ યોગ અને તંત્ર વિદ્યાથી સિદ્ધ થતો ભારતીય અધ્યાત્મનો એક બહુ અભીભૂત કરનારો પ્રયોગ છે, પરંતુ એ જટિલ અધ્યાત્મ છે. એટલે કે સીધા સાદા દરેક સંસારી માનવીથી થાય એમ નથી. એની માટે અષ્ટાંગ યોગનાં દરેક અંગોનો અભ્યાસ જરૂરી છે. પરંતુ કુંડલિની જાગરણની શરુઆત પણ પ્રાણાયામથી જ બતાવી છે, અને પ્રાણાયામમાં પણ અનલોમ વિલોમની જે સૌથી સરળ પ્રક્રિયા છે, એમાં પ્રેરક કુંભક અને રેચકનાં જે ત્રણ આયામ બતાવ્યાં છે, એમાં કુંભક એટલે કે શ્વાસને અંદર ટકાવી રાખવાની જે ક્રિયા છે, એ જેટલી લાંબી ચાલે તેમ તમે પ્રાણ ઊર્જાને સ્થિર કરી ઉપરની તરફ લઈ જઈ શકવામાં સફળ થવાય, આ એક સીધુ સાદુ અને દરેક જણ સમજી શકે એવું નિવેદન છે. આયામનો સીધોસાદો અર્થ કરીએ તો વિસ્તાર થાય, એટલે પ્રાણને આ ત્રણ મહત્વનાં મોડ પર લાવી એને ઉર્ધ્વ ગમન કરાવવાં ખેંચવાનો પછી રોકવાનો અને પછી ધીરેધીરે છોડવાનો! આ આખી પ્રક્રિયાને અનુલોમ વિલોમ કહેવામાં આવે છે, અને મૂલાધાર ચક્ર એટલે પહેલાં ચક્રથી આ પ્રાણ ઉર્જા કે પ્રાણ શક્તિને એક એક ચક્રમાંથી પસાર કરી છેક ઉપરનાં એટલે બ્રહ્મરંધ્ર સુધી લાવી સહસ્ત્રાર ચક્ર પર સ્થિર કરવી કે પછી અસ્તિત્વમાં રહેલ પરમ શક્તિ સાથે જોડી દેવી આ આખી જે સફર છે તેને અધ્યાત્મમાં કુંડલિની જાગરણ કહે છે. કુંડલીની જાગરણની આખી યોગ પ્રક્રિયામાં સાત ચક્રો આવેલા છે, એમાંના પહેલા ચક્ર વિશેની પ્રાથમિકતા શું છે તે જોઈએ.
પરંતુ ચક્ર વિશે વાત કરીએ એ પહેલા મનુષ્ય શરીરમાં ઓછામાં ઓછી 72000 નાડી હોય છે, અને એમાં ત્રણ નાડી એવી છે, કે જે આ કુંડલીની જાગરણ માટે મહત્વની છે, અને ઈડા પિંગળા અને સુષુમ્ણા એ આ ત્રણ નાડી ના નામ છે. ઈડાને ચંદ્ર નાડી પિંગળાને સૂર્યનાડી અથવા બ્રહ્મનાડી કહેવામાં આવે છે. ચંદ્ર નાડી ઠંડી ઉર્જા એટલે કે નેગેટિવ ઉર્જા આપે છે, સૂર્યનાડી ઉષ્ણ એટલે કે પોઝિટિવ ઉર્જા આપે છે, અને જેમ ગંગા યમુના બે નદીના મિલન એટલે કે પ્રયાગે ત્રીજી નદી સરસ્વતી ઉદ્ભવે છે, એમ આ બંનેના અમુક અમુક ગુણ ભેગા થઈને ત્રીજી નાડી સુષુમ્ણા કે જે કરોડરજ્જુના 33 મણકામાંથી પસાર થઈને મસ્તિષ્ક એટલે કે બ્રહ્મ રંધ્ર સુધી જાય છે. પરંતુ સુષુમ્ણા એ તેના નામ પ્રમાણે સુષુપ્ત હોય છે, અને મુલાધાર પાસે સર્પ જેમ કુંડલી મારીને બેઠો હોય એમ આ નાડીમાં આ શક્તિ કુંડલી મારીને બેઠી હોય છે, અને એને યોગ પ્રકિયાથી જગાડવાની હોય છે, અને એટલે અહીં જાગરણ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે.
* મૂલાધાર ચક્ર.* મૂલાધારનો સાવ સીધાસાદો અર્થ કરીએ તો દેહ રુપી વૃક્ષને જે પૃથ્વીએ ધારણ કર્યો છે, એ મૂળ આધારને દ્રઢતાથી પકડી રાખવો. માનવ શરીરમાં ગુદા દ્વાર આસપાસ એટલે કે મૂલાધાર ચક્ર પેરીનિયમ પર સ્થિત છે, મલ દ્વાર અને જનન અંગો વચ્ચેની જગ્યા. આ શરીરનું સૌથી મૂળ ચક્ર છે. તેનો રંગ લાલ છે, અને ચાર પાંખડી વાળા કમળનું ચિન્હ બતાવાયું છે. આ ચક્રનો બીજ મંત્ર ‘લં’ છે અને પૃથ્વી તત્વથી બનેલું છે, તદ ઉપરાંત આ ચક્રનાં દેવતા ગણેશ છે. કુંડલિની જાગરણ કરવું હોય એ સાધક એ આ ચક્રનું ધ્યાન ધરીને આ આધ્યાત્મિક સફરની શરૂઆત કરવી જોઈએ. મૂલાધાર ચક્ર પૃથ્વી તત્વ અને વિવિધ ગંધ અંગેની ચેતના દ્વારા સૌથી વધારે શક્તિ પ્રાપ્ત કરે છે. તે કરોડરજ્જુ, મૂત્રાશય, કિડની, પગ અને પગના તળિયા ઉપરાંત સમગ્ર પ્રજનન તંત્રને નિયંત્રિત કરવાનું કામ કરે છે. મૂલાધાર ચક્ર વ્યક્તિને સમજદાર બનાવે છે, અને તેનાં શારીરિક કદને જાળવી રાખે છે. પૃથ્વી તત્વનું બનેલું હોવાથી તે આપણને આધાર આપે છે, અને આપણને ધારણ પણ કરે છે. શારીરિક અને માનસિક સંતુલન માટે આ ચક્રનું ધ્યાન બહુ ફાયદાકારક છે, પણ સાથોસાથ અસંતુલન નુકસાનકારક છે. જમીન પર ખુલ્લા પગે ચાલવાથી આ ચક્રની શક્તિ કાર્યાન્વિત થાય છે, અને શારિરીક તેમજ માનસિક ઘણાં ફાયદા થાય છે.
મૂલાધાર ચક્રનો બીજ મંત્ર ‘લં’ છે અને આ મંત્રનો સતત આકાશ તરફ આંગળા રાખી સવાસનમાં સુવું કે સિદ્ધાસનમાં બેસવું. ‘લં ‘ એ બીજમંત્રનો શાસ્ત્રીય અર્થ શું થાય છે, એમાં આપણે ન જઈએ, પણ ‘લં ‘ શબ્દ બોલવામાં એ શબ્દ ધ્વનિને અંદર તરફ ગ્રહણ કરવામાં આવે છે, એટલે કે સકારાત્મક શક્તિને ગ્રહણ કરવી કે પૃથ્વી તત્વ જેમ ધીરજ અને સ્થિરતાને ગ્રહણ કરીને આધાર મજબૂત બનાવીએ. આ ઉપરાંત આ ચક્રનાં દેવતા ગણેશ હોવાથી આ મંત્ર જાપથી વિવેક દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે, અને આપણાં જીવન માટે સાચું સારું, ખોટું ખરાબ તરફ નિર્દેશ કરી સંયમી બનાવે છે. તો આવો સરળ અર્થ કરી આપણે આ ચક્રનું ધ્યાન કરી શકીએ તો ઉત્તમ છે, પણ બાકી શું શું ગ્રહણ કરવું જોઈએ, અને શું શું ન કરવું, એનું ધ્યાન રાખીને જીવનને ઉત્તમ બનાવી શકાય, એ વિચારને પરિપક્વ બનાવી વિવેક દ્રષ્ટિની પુષ્ટિ કરી શકીએ, તો પણ મનુષ્ય જીવન ધન્ય બની શકે. આપણી ધ્યાન રાખીને જાગરણ કરવાની પરિભાષાથી પણ ચક્ર સક્રિય થાય છે, અને લાલ, પીળા, નારંગી, નીલો, લીલો, સફેદ જાંબલી જેવાં દરેક ચક્ર સંબંધિત રંગ અને તેમનાં ગુણની અદભૂત અનૂભૂતિ થાય છે. જય ભવાની.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


