અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન કરોડોની કિંમતનાં ડ્રગ્સ, હેરોઈન, એમડી, કોકેઈન પકડાયાં છે. અત્યારસુધી એવી જ થિયરી ચાલતી હતી કે ગુજરાત તો માત્ર રૂટ છે અને અહીંથી બધું ડ્રગ્સ બીજાં રાજ્યો અને બહારના દેશોમાં જાય છે, પરંતુ હકીકતમાં ગુજરાતનું યુવાધન ધીરે-ધીરે ડ્રગ્સના અજગરી ભરડામાં સપડાઈ રહ્યું છે અને કોઈને ખબર પણ પડતી નથી. આનો દેખીતો પુરાવો છે અમદાવાદના એક અત્યંત મોટા ગજાના બિલ્ડરનો પુત્ર, જે ડ્રગ્સના ઓવરડોઝમાં અત્યારે શહેરની જ એક ફાઈવસ્ટાર કક્ષાની હોસ્પિટલમાં ચૂપકે-ચૂપકે સારવાર લઈ રહ્યો છે.અમદાવાદના જે યુવાને ડ્રગ્સનો ઓવરડોઝ લીધો તેના બિલ્ડર પિતાને ગુજરાતના એક IPS સાથે પણ ઘરોબો છે. વાસ્તવમાં આ IPS બિલ્ડરના સ્લીપિંગ પાર્ટનર હોવાનું જાણવા મળ્યું છે. બિલ્ડરપુત્ર ડ્રગ્સના ઓવરડોઝને કારણે જ્યારે તરફડિયાં મારતો હતો ત્યારે તેને ફાઈવસ્ટાર કક્ષાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આ IPS તરફથી જ મદદ કરાઈ હતી. એટલું જ નહીં, આ સારવારને લગતી કોઈ માહિતી લીક ન થાય એ જોવાનું કામ પણ આ અધિકારી કરી રહ્યા છે. ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ બિલ્લીપગે અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ અને વડોદરાના એલિટ ક્લાસના નબીરાઓમાં ફેલાઈ ચૂક્યું છે. હજી તો અમદાવાદના બોપલના એક વંદિત પટેલનું જ નામ ખૂલ્યું છે ને તેણે એકલાએ 10 કરોડથી વધુનું ડ્રગ્સ વિદેશથી મગાવ્યાની વાત ખૂલી છે. આવામાં અત્યારે અમદાવાદના ટોચના કન્સ્ટ્રક્શન ગ્રુપોમાં જેનું નામ આવે છે તેવા મોટા ગજાના બિલ્ડરનો દીકરો ડ્રગ્સના ઓવરડોઝમાં શહેરની જ એક ફાઈવસ્ટાર કક્ષાની હોસ્પિટલમાં ગુપચુપ સારવાર લઈ રહ્યાનું દિવ્ય ભાસ્કરને જાણવા મળ્યું છે.ગુજરાતના ટોચના બિલ્ડરના પુત્રની સારવાર જ્યાં ચાલી રહી છે એ હોસ્પિટલનાં સૂત્રોએ જ દિવ્ય ભાસ્કરને વિગતો જણાવી છે. ઉલ્લેખનીય છે કે આ બિલ્ડરપુત્ર અગાઉ પણ ઘણા વિવાદોમાં સપડાઈ ચૂક્યો છે. હાલ આ નબીરાને પિત્તાશયની સારવારના નામે શહેરની ટોચની હોસ્પિટલમાં દાખલ કરાયો છે, પરંતુ હકીકતમાં તેની ડ્રગ્સના ઓવરડોઝની સારવાર ચાલી રહી છે. આ આખેઆખી વાતને દબાવી દેવા છેક ઉપરથી ભરપૂર પ્રયાસો ચાલી રહ્યા છે.