શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં સૈન્ય દ્વારા મોટુ ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. માર્યા ગયેલા આતંકીઓમાં એક લશ્કરે તોયબાનો મોસ્ટ વોન્ટેડ આતંકી પણ સામેલ છે. જ્યારે આ ત્રણેય આતંકીઓ લશ્કરે તોયબાના ટોપ કમાન્ડર પણ હતા. ડીજીપી દિલબાગસિંહે આ અંગેની જાણકારી આપી હતી. ડીજીપીએ કહ્યું હતું કે પોલીસ અને સુરક્ષા જવાનો માટે આ ઓપરેશન અતી મહત્વપૂર્ણ હતું, કેમ કે માર્યા ગયેલા આતંકીઓએ અનેક લોકોની હત્યા કરી હતી સાથે જ મોટા હુમલાઓમાં અપહરણ જેવી ઘટનાઓમાં પણ સામેલ હતા. જેમાં ૨૯મી માર્ચના રોજ સોપોરમાં થયેલા એક મોટા હુમલાનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં બે મ્યૂનિ. કાઉન્સિલર્સ અને એક પોલીસર્મીની હત્યા કરવામાં આવી હતી. જ્યારે અન્ય બીજો હુમલો ૧૨મી જુનના રોજ કરાયો હતો જેમાં બે પોલીસકર્મી અને નાગરિકો માર્યા ગયા હતા. આ હુમલાઓમાં માર્યા ગયેલા આતંકીઓ સામેલ હતા. બારામુલ્લામાં આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળ્યા બાદ રવિવારે રાત્રે જ સૈન્ય દ્વારા ઓપરેશન શરૃ કરી દેવામાં આવ્યું હતું કે કલાકો સુધી ચાલ્યું હતું. માર્યા ગયેલા આતંકીઓમાં મુદસીર પંડીતનો પણ સમાવેશ થાય છે કે જે લશ્કરે તોયબાનો મોસ્ટ વોન્ટેન્ડ કમાન્ડર હતો. તેની સામે ૧૮ એફઆઇઆર દાખલ હતી અને નવ સુરક્ષા જવાનો, ચાર નાગરિકો, બે પૂર્વ આતંકીઓ, ત્રણ સરપંચ અને બે અલગતાવાદીની હત્યામાં પણ તેનો હાથ હતો.અન્ય જે બે આતંકઓ માર્યા ગયા છે તેઓ પૈકી એક અબ્દુલ્લાહ ઉર્ફે અસરાર પાકિસ્તાનનો રહેવાસી છે અને પંડીત સાથે લાંબા સમયથી કામ કરતો હતો. જ્યારે અન્ય આતંકીનું નામ ખુરશીદ મિર છે જે કાશ્મીરના સોપોરનો રહેવાસી છે જેની સામે છ ફરિયાદો દાખલ હતી. તેણે સાત સુરક્ષા જવાનો, પાંચ નાગરિકોની હત્યા કરી હતી અને બે ગ્રેનેડ હુમલા પણ કર્યા હતા.