
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના ‘ઓપરેશન સિંદૂર’એ પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું હતું. આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાની ડ્રોન કચ્છ જિલ્લામાં પણ દેખાયાં હતાં. ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે (શુક્રવારે) ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં એરફોર્સ, BSF અને આર્મીના અધિકારીઓ-જવાનો સાથે ચર્ચા કર્યા બાદ જવાનોનો જુસ્સો વધારવા સંબોધન કર્યું હતું. ત્યારબાદ તેમણે સ્મૃતિવનની મુલાકાત લીધી હતી.એરબેઝની મુલાકાત બાદ અર્થક્વેક મેમોરિયલ પાર્કની મુલાકાતે પહોંચ્યા છે. સાંસદ વિનોદ ચાવડા સાથે કચ્છના તમામ 6 ધારાસભ્યો પણ સ્મૃતિવન હાજર છે.સૈનિકોનો જુસ્સો વધારતાં રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે હું તમને અભિનંદન આપવા આવ્યો છું. હું ગઈકાલે જ શ્રીનગરમાં બહાદુર સૈન્ય સૈનિકોને મળીને પાછો ફર્યો છું. હું આજે તમને મળી રહ્યો છું. તમે ઓપરેશન સિંદૂરમાં ચમત્કારિક કામ કર્યું છે. તમે ભારતને ગર્વ અનુભવ કરાવ્યો છે. હું આપણા સૈનિકોને સલામ કરું છું. મને તમારા બધાની વચ્ચે રહીને ગર્વ થાય છે. ભુજ 1965 અને 1971ના યુદ્ધોમાં આપણી જીતનું સાક્ષી રહ્યું છે અને આજે પણ તે ઓપરેશન સિંદૂરની સફળતાનું સાક્ષી છે. ભારતે ધોળે દિવસે પાકિસ્તાનને તારા દેખાડ્યા છે. હું તમામ જવાનોને અભિનંદન આપું છું. ઓપરેશન સિંદૂર દરમિયાન જવાનોએ પરાક્રમ જ નથી દેખાડ્યું, પણ દુનિયાને પ્રમાણ પણ આપ્યું છે કે હવે જૂનું નહીં, નવું ભારત છે.તમારી ઊર્જા જોઈને મને ઉત્સાહ થાય છે. ઓપરેશન સિંદૂર નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યું છે. આ કામગીરીમાં તમે જે કર્યું છે એના પર બધા ભારતીયોને ગર્વ છે. પાકિસ્તાનની ધરતી પર ઊગતા આતંકવાદના અજગરને કચડી નાખવા માટે ભારતીય સેના માટે 23 મિનિટ પૂરતી હતી. લોકોને નાસ્તો અને પાણી આપવામાં જેટલો સમય લાગે છે એટલા સમયમાં તમે તમારા દુશ્મનો સાથે વ્યવહાર કર્યો છે.રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે દુનિયાએ તણાવ વચ્ચે ભારતની તાકાત જોઇ છે, મને જવાનો પ્રત્યે ગર્વ છે. ભારત માત્ર વિદેશમાંથી ઈમ્પોર્ટ કરેલાં હથિયાર પર નિર્ભર નથી, બ્રહ્મોસ મિલાઈલની તાકાતને પાકિસ્તાને જોઈ લીધી છે. ઓપરેશન સિંદૂરનું નામ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું હતું. આ ઓપરેશનમાં તમે લોકોએ જે કર્યું એ કાબિલેદાદ છે. આતંકવાદ વિરુદ્ધ ચલાવેલા આ અભિયાનનું નેતૃત્વ એરફોર્સે કર્યું છે.
આખી દુનિયાએ પાકિસ્તાનમાં પડેલી મિસાઇલોનો પડઘો સાંભળ્યો :
રાજનાથ સિંહે કહ્યું હતું કે તમે પાકિસ્તાનની અંદર મિસાઇલો છોડી છે, આખી દુનિયાએ એનો પડઘો સાંભળ્યો. તમારી બહાદુરીનો, સૈનિકોના બહાદુરીનો એ પડઘો. ભારતીય વાયુસેનાએ અસરકારક ભૂમિકા ભજવી હતી, જેની વિશ્વના અન્ય દેશોમાં પણ પ્રશંસા થઈ રહી છે. આતંકવાદ સામેની આ ઝુંબેશનું નેતૃત્વ વાયુસેના દ્વારા કરવામાં આવ્યું હતું, જે એક એવું આકાશ દળ છે, જેણે પોતાની બહાદુરી અને બહાદુરીથી નવી ઊંચાઈઓ સ્પર્શી છે.
ભુજ એરબેઝ ભારતની મોટી તાકાત :
ભુજ એરબેઝ પાકિસ્તાન સરહદથી 160 કિલોમીટર દૂર છે અને એરબેઝ ભારતની મોટી તાકાત છે. વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન આ એરબેઝે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાને રનવેને નુકસાન પહોંચાડ્યું હતું, પરંતુ ગુજરાતની મહિલાઓએ પોતાની બહાદુરીથી રાતોરાત રનવે ફરીથી બનાવ્યો હતો. આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ તેમની મુલાકાત દરમિયાન પાકિસ્તાન સાથેની સરહદ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હતો ત્યારે ભુજ શહેરમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું. કચ્છમાં ઘણાં પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યાં હતાં.