નવી દિલ્હી : મણિપુરમાં એક સમુદાયની બે મહિલાઓને કપડાં વગર નગ્ન હાલતમાં ખુલ્લેઆમ પરેડ કરાવવા બદલ દેશભરમાં ગુસ્સો વ્યાપી ગયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ સંસદમાં વિપક્ષે મણિપુર મુદ્દે વડાપ્રધાનના મૌન પર સવાલ ઉઠાવ્યા હતો. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ મણિપુર મુદ્દે હંગામો શરૂ કર્યો હતો. જેના કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ સાથે જ રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. જોકે 2 વાગ્યે કાર્યવાહી શરૂ થયા બાદ ફરી વાર હોબાળો યથાવત્ રહેતાં આવતીકાલ સુધી સંસદના બંને ગૃહો સ્થગિત કરવાની જાહેરાત કરાઈ હતી. તેની સાથે સત્તા પક્ષે મણિપુર મામલે ચર્ચા કરવાની તૈયારી પણ બતાવી હતી. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ મણિપુરમાં ચાલી રહેલી હિંસા પર સંસદમાં ચર્ચા માટે સ્થગિત પ્રસ્તાવની સૂચના આપી હતી. કોઈ મુદ્દા પર ધ્યાન ખેંચવા અને જાહેર હિતના મુદ્દા પર તાત્કાલિક ચર્ચા કરવા માટે સ્થગિત દરખાસ્ત ખસેડવામાં આવે છે. સ્થગિત પ્રસ્તાવ રજૂ કરવા માટે સંસદના 50 સભ્યોનું સમર્થન જરૂરી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ તમામ સાંસદો અને સંસદના બંને ગૃહોને સુચારુ રીતે ચલાવવા માટે સહયોગ કરવા અપીલ કરી હતી. તેમણ કહ્યું કે, અમે આ વખતે સંસદમાં કામના બિલો લાવીશું. જે પ્રજાના હિતોને આધારિત હશે. મારી તમામ પક્ષોને અપીલ છે કે તેઓ અમને આ બિલ પાસ કરવામાં સહયોગ કરે.