વિદેશીઓ માટે ભારતમાં રહેવા અને વસવા માટે સૌથી મોંઘુ શહેર મુંબઇ છે એ પછી બીજા ક્રમે દિલ્હીનું સ્થાન છે. જો કે, દુનિયાના અન્ય શહેરોની સરખામણીમાં આ બંને શહેરો પ્રમાણમાં પરવડે તેવા છે. મર્સર્સ ૨૦૨૨ કોસ્ટ ઓફ લિવિંગ સર્વેમાં મુંબઇનો ક્રમ ૧૨૭મો છે જ્યારે દિલ્હી ૧૫૫માં સ્થાને છે. ભારતના અન્ય શહેરો ચેન્નાઇ ૧૭૭માં ક્રમે, બેન્ગાલુરૃ ૧૭૮મા ક્રમે અને હૈદરાબાદ ૧૯૨મા ક્રમે આવે છે. પૂણે આ સર્વેમાં ૨૦૧મા ક્રમે અને કોલકાતા ૨૦૩મા સ્થાને આવે છે.જો કે, દુનિયાના અન્ય શહેરોની સરખામણીએ ભારતના આ શહેરો વિદેશીઓને પ્રમાણમાં સસ્તા જણાય છે. દુનિયામાં સૌથી મોંઘા શહેર તરીકે પ્રથમ સ્થાને હોંગકોંગ છે. એ પછી બીજા ક્રમે સ્વિત્ઝરલેન્ડના શહેરો ઝ્યુરિક, જિનિવા અને બસેલ આવે છે. ઇઝરાયલમાં સૌથી મોંઘુ શહેર તેલ અવીવ છે. યુએસમાં સોથી મોંઘુ શહેર ન્યુયોર્ક છે. જાપાનમાં સૌથી મોંઘું શહેર ટોકિયો અને ચીનમાં સૌથી મોંઘું શહેર બિજિંગ છે. મર્સર દ્વારા કોસ્ટ ઓફ લિવિંગ સર્વે માર્ચ ૨૦૨૨માં કરવામાં આવ્યો હતો. આ વર્ષના રેન્કિંગ માટે ૨૦૦ કરતાં વધારે ચીજોના ભાવને ગણતરીમાં લેવામાં આવ્યા હતા. આ ચીજોમાં રહેઠાણ, પરિવહન, ખોરાક, કપડાં, ઘરગથ્થુ વપરાશની ચીજો અને મનોરંજનના ખર્ચને પણ આવરી લેવામાં આવ્યો હતો. આ સર્વેમાં પાંચ ખંડોમાં આવેલા ૨૨૭ શહેરોને આવરી લેવામાં આવ્યા હતા.