
ગુજરાતમાં સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે ગુજરાત હાઈકોર્ટ સહિત સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ, લાલ દરવાજા સ્થિત અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ તેમજ ભરૂચ, આણંદ અને રાજકોટની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઇલ મળતા ભારે ખળભળાટ મચી ગયો છે. એક અજાણ્યા શખસે સોમવારે મોડી રાત્રે સુરત અને અમદાવાદ સહિતની કોર્ટના ઓફિશિયલ આઈડી પર મેઈલ કરીને આખા બિલ્ડિંગને RDXથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ ધમકીને ગંભીરતાથી લઈને તમામ કોર્ટમાં ન્યાયિક કામગીરી અટકાવીને ડોગ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમની મદદથી ઝીણવટભરી તપાસ કરાઈ રહી છે. આ ધમકીની ગંભીરતાને ધ્યાને રાખીને ગુજરાત હાઈકોર્ટ તેમજ અન્ય તમામ જિલ્લાની કોર્ટમાં પ્રવેશબંધી કરી દેવાઈ છે. એટલું જ નહીં, આ સિવાય ન્યાયિક કામગીરી પણ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાઈ છે. વહીવટી તંત્રએ વકીલો, સ્ટાફ અને અસીલોને સલામત રીતે પરિસરની બહાર મોકલી દીધા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડ દ્વારા પાર્કિંગ, કેન્ટીન અને કોર્ટ બિલ્ડિંગના દરેક માળ પર ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે. જો કે, પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.


