અમદાવાદ: શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક મહિલાને અજાણ્યા યુવક પર દીકરા સમાન વિશ્વાસ મૂકવો ભારે પડ્યો છે. દીકરા સમાન આ યુવકએ મહિલાનાં ઘરમાંથી રોકડ અને દાગીના સહિત કુલ પોણા પાંચ લાખ જેટલી રકમનો ચૂનો ચોપડયો છે. જોકે, પરત આપી દેવાના અનેક વાયદા બાદ પરત ના કરતા અંતે મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.એસ.જી. હાઇ વે પર રહેતી મહિલા સેટેલાઇટ ખાતે હેર કટિંગ શીખવા માટે જતી હતી. જ્યાં તેને બોપલના પાર્થ પારેખ નામના યુવકનો પરિચય થયો હતો. હેર કટીંગનો કોર્સ પૂર્ણ થયા બાદ એક વર્ષ પછી પાર્થ પારેખનો આ મહિલા પર ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, તેની માતાને પથરીનું ઓપરેશન કરાવવાનું હોવાથી રૂપિયાની જરૂર છે. મહિલાએ મદદ કરવાની હા કહેતા પાર્થ તેના ઘરે આવીને રૂપિયા ૫ હજાર લઈ ગયો હતો. બાદમાં પાર્થ અવાર નવાર આ મહિલાના ઘરે આવતો જતો હતો. મહિલા તેને દીકરાની જેમ રાખતી હતી. બાદમાં મહિલા રક્ષાબંધનમાં તેના પિયર ગઈ હતી. જ્યાં તેના ભાઈએ તેણે રૂપિયા ૨૫ હજાર આપ્યા હતા. જે તેણે કબાટમાં મૂક્યા હતાં. બીજે દિવસે પાર્થ તેના ઘરે આવ્યો હતો અને મહિલા હેર સ્પા કર્યા બાદ ન્હાવા માટે ગઈ ત્યારે પાર્થ ઘરમાં હાજર હતો. પાર્થ સિવાય બીજું કોઈ ઘરે આવ્યું ના હોવાથી મહિલાને આ પૈસા પાર્થ જ લઈ ગયો હોવાની શંકા હતી.આ બાબતે તેણે પાર્થને વાત કરી તો પાર્થે પૈસા લીધા ના હોવાનું જણાવી વિશ્વાસમાં લીધા હતા. બાદમાં બીજા ૫ હજાર રૂપિયા ગાયબ થયા હતા. જેથી મહિલાએ કબાટમાં મૂકેલા દાગીના અને મોબાઇલ તપાસ કરતા મળી આવ્યા ના હતા. જેથી મહિલાએ પાર્થને આ તમામ વસ્તુઓ અને રોકડ રકમ પરત કરવા માટે કહેતા પાર્થ ગોળ ગોળ જવાબ આપતો હતો. જોકે મહિલાએ આ અંગે સોલા પોલીસમાં અરજી પણ કરી હતી. બાદમાં પાર્થના પિતાએ ફોન કરીને દાગીના તેમજ રોકડ પરત કરી આપવાની ખાતરી આપી હતી. જોકે, અનેક વાયદા બાદ પરત ના કરતા મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે