
ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી લહેર આવવાની છે. “હું ઇકબાલ”જેવી સફળ અને વખણાયેલી ફિલ્મના નિર્માતાઓ દ્વારા તેમની નવી થ્રિલર ફિલ્મ “ભ્રમ”ની ઘોષણા કરવામાં આવી ત્યારથી જ દર્શકોમાં ફિલ્મ અંગે વધુ જાણવાની ઉત્સુકતા જાગી હતી. 16મી મેના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મના પ્રમોશનલ વિડિયોઝ અને પોસ્ટર જોઈને જે સસ્પેન્સ ક્રિએટ થતું હતું એ હવે વધુ ગાઢ બન્યું છે કારણકે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું છે. આ સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મનું દિગ્દર્શન ગુજરાતના પ્રતિભાશાળી ફિલ્મમેકર પલ્લવ પરીખ દ્વારા કરવામાં આવ્યું છે, અને આ કથાવસ્તુ તેમના દ્વારા જ લેખિત છે. ટ્રેલર લિંક : https://www.youtube.com/watch?v=kxpPSb4t9rU ફિલ્મમાં મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, અભિનય બેંકર અને નિશ્મા સોની જેવા અનુભવી કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી છે, અને ટ્રેલર રજૂ થયા બાદ જ ફિલ્મે ઉમંગભર્યો પ્રતિસાદ મેળવી લીધો છે અને દર્શકોમાં વધુ કુતૂહુલ સર્જાયું છે. ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો માયા ( સોનાલી લેલે દેસાઈ), 42 વર્ષની એક મહિલા, ડિમેન્શિયા નામની બીમારીથી પીડાય છે, જેના કારણે તેને ભૂતકાળની ઘટનાઓ યાદ રહેતી નથી. પણ જયારે તે પોતાની જ દીકરી શ્રદ્ધા (નિશ્મા સોની) ની હત્યાની સાક્ષી બને છે, ત્યારે તેનું જીવન ઉથલપાથલ થઈ જાય છે. સમય માયા સામે કડકાઈથી ઊભો છે. માયાને તેની તૂટી ગયેલી યાદગિરીઓ ફરી સંકલિત કરી સત્ય શોધવુંજ પડશે… એ પહેલાં કે હત્યારો ગુમ થઈ જાય. ફિલ્મમાં મિત્ર ગઢવી માયાના કેરટેકર મેહુલની ભૂમિકામાં છે અને અભિનય બેંકર પોલીસમેનની ભૂમિકામાં જોવા મળશે કે જેઓ આ મર્ડર મિસ્ટ્રી ઈન્વેસ્ટિગેશન કરી રહ્યાં છે.ભારતભરમાં 16000થી વધુ મર્ડર મિસ્ટ્રી ફિલ્મો બની છે પરંતુ આ ફિલ્મ કાંઈક અલગ છે. ગુજરાતી સિનેમામાં આ પ્રકારની થ્રિલર ફિલ્મ હજી સુધી આવી નથી. પરંતુ આ ફિલ્મ એક બેન્ચમાર્ક સેટ કરશે. “હું ઇકબાલ” ફિલ્મના નિર્માતા સિટીશોર.ટીવી દ્વારા જ આ ફિલ્મ પ્રોડ્યુસ કરાઈ છે. ટ્રેલર જોતાં જ આ ફિલ્મ અંગે સસ્પેન્સ ક્રિએટ થાય છે. આખરે માયાની દિકરી શ્રદ્ધાનું મર્ડર થયું છે કે નહિ અને થયું છે તો કોણે કર્યું છે એ તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.ફિલ્મની સ્ટોરી તો યુનિક છે પરંતુ નિર્માતાઓની ફિલ્મનો પ્રચાર કરવાની રીત પણ અલગ છે. ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ ફિલ્મ માટે ઇન્સ્ટાગ્રામ ગેમ લોન્ચ કરાઈ છે અને તાજેતરમાં જ વિકેન્ડ વિન્ડો ખાતે કેટલાક યુવાઓ બ્લડ-ફિલ્ડ ફેસ અને હાથમાં ફ્લેશ મોબ સાથે નજરે પડ્યા કે જેમણે મોટી સંખ્યામાં અમદાવાદીઓનું ધ્યાન કેન્દ્રિત કર્યું. ભ્રમની ટીમ દ્વારા કરાયેલ આ આકર્ષક પ્રમોશનલ સ્ટન્ટ એ ફિલ્મના પ્રચાર માટે ઘણી મોટી વ્યાપકતા ઉત્પન્ન કરી છે.ફિલ્મના રિલીઝ પહેલા ‘ભ્રમ’નો આ અનોખો પ્રચાર અભિગમ ગુજરાતી સિનેમા માટે એક નવી દિશા આપી રહ્યો છે. ઈન્ટરએક્ટિવ ટેક્નોલોજી અને સોશિયલ મીડિયા દ્વારા પ્રેક્ષકો સાથે ખાસ કનેક્શન ઊભું કરી, “ભ્રમ” ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એક નવું ધોરણ સ્થાપિત કરવાની તૈયારીમાં છે.