
આજના જમાનામાં લગભગ દરેક બાળક કશું સમજતું થાય એ પહેલાં સ્માર્ટફોનની સ્ક્રીન પર આંગળી વડે દ્રશ્યો બદલતું થઇ જાય છે. અબુધ મા-બાપો બાળકો કશું સમજવાની સ્થિતિમાં આવે તે પહેલાં જ તેમને સ્માર્ટ ફોન પર કાર્ટૂન અને જાતજાતની વ્યસની ગેમના રવાડે ચડાવી દે છે. ભવિષ્યમાં આ પેઢી શું કરશે તે મોટો સવાલ છે. વિદ્યા બાલન તેથી જ આજકાલના બચ્ચાંઓને ગેજેટ્સમાં ડૂબેલાં જોઇને ડિસ્ટર્બ થઇ જાય છે. હાલ બાળ સુરક્ષાનાં કામોમાં ઉલટથી ભાગ લેતી વિદ્યા બાલન પોતાના બાળપણની વાત કરતાં અતીતરાગમાં ડૂબી જાય છે. વિદ્યા કહે છે, ‘હું મુંબઇના ચેમ્બુર ઇલાકામાં જન્મી અને ઉછરી છું. અમે રોજ સાંજે અમારા બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં અમારા મિત્રો સાથે રમવા માટે ભેગાં થતાં હતાં. અમારા વિસ્તારમાં અમે બધાં એકદમ સુરક્ષિત હતા. અમે છોકરીઓ હોવા છતાં સ્ટ્રીટ પર રખડવા જઈ શકતી. દરેક જણ બધાને ઓળખતાં હોય એટલે તેઓ અમને ગમે ત્યાંથી શોધી કાઢતાં. આજે બાળકોને જ્યારે ગેજેટ્સમાં મોં નાંખીને બેઠેલાં જોઉં છું ત્યારે મારું મન ઉદાસ થઇ જાય છે. દોડવા કૂદવાની ઉંમરે આ બાળકો સ્ક્રીન પર ચોંટી જાય છે, અને પોતાની આંખોનું નુકશાન કરે છે. તેમની આંખો તો ખરાબ થાય જ છે, પણ શારીરિક પ્રવૃત્તિના અભાવે તેમનો યોગ્ય રીતે શારીરિક વિકાસ થતો પણ અટકી જાય છે. વળી આજનાં માબાપ પણ તેમનાં સંતાનો મેદાનમાં રમવા જાય તો ચોવીસે કલાક તેમની આસપાસ ઘુમરાયા કરે છે અને તેમને મુક્ત મને રમવા દેતાં જ નથી. બાળકોનું વધારે પડતું ધ્યાન રાખવું એ પણ એક સમસ્યા છે.’


