નવી દિલ્હી : IPL 2023ની સિઝનની આજે નિર્ણાયક ફાઈનલ મેચ રમાશે. લગભગ બે મહિના સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થશે. આ ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ચેન્નઈનો ફાઈનલમાં પ્રવેશ પ્રથમ ક્વોલિફાયર જીતીને થયો હતો જયારે ગુજરાતે ક્વોલિફાયર-2માં મુંબઈ ઈન્ડિયન્સને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે IPLના ઈતિહાસમાં એક એવો અદ્ભુત રેકોર્ડ બની ગયો છે જે આજ સુધી બન્યો ન હતો. આ રેકોર્ડ આ સીઝનની લીગની શરૂઆતની મેચ અને ફાઈનલ સાથે સંબંધિત છે.IPLના ઈતિહાસમાં પ્રથમવાર બનશે કે જ્યારે સીઝનની ઓપનિંગ મેચ રમી રહેલી બંને ટીમો સિઝનની ફાઇનલમાં પ્રવેશ કર્યો હોય. ગુજરાતની ટીમનો ફાઈનલમાં પ્રવેશ થતા જ આ રેકોર્ડ બની ગયો હતો. IPLની 16મી સિઝનની ઓપનિંગ મેચ ચેન્નઈ અને ગુજરાત વચ્ચે 31 માર્ચે અમદાવાદમાં જ રમાઈ હતી. આ મેચ ગુજરાતે 5 વિકેટથી જીતી લીધી હતી. આ બાદ ક્વોલિફાયર-1માં પણ ચેન્નઈ અને ગુજરાત વચ્ચે ટક્કર થઇ હતી. આ મેચમાં ચેન્નઈએ જીતીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.IPLમાં અત્યાર સુધીમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમ ચાર વખત સામ-સામે રમી ચુકી છે. બંને વચ્ચે રમાયેલી કુલ ચાર મેચોમાં 3 લીગ અને 1 પ્લેઓફ મેચ સામેલ છે. ગુજરાતે ત્રણેય લીગ મેચો જીતી છે જ્યારે ચેન્નઈની ટીમ એક પ્લેઓફ મેચ જીતવામાં સફળ રહી છે. IPLમાં સૌથી વધુ ટાઈટલ જીતવાનો રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સના નામે છે. મુંબઈની ટીમ 5 વખત ચેમ્પિયન બની છે. મુંબઈ બાદ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈની ટીમે 4 વખત ચેમ્પિયન બની છે. આ ઉપરાંત હૈદરાબાદ બે વખત (ડેક્કન ચાર્જર્સ 2009, સનરાઇઝર્સ હૈદરાબાદ 2016) ટાઈટલ જીત્યું છે. કોલકાતા નાઈટ રાઈડર્સ ગૌતમ ગંભીરની કપ્તાની હેઠળ બે વખત ચેમ્પિયન બની હતી. આ ત્રણ ટીમો સિવાય રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ 1-1 વખત ટાઇટલ જીતી ચૂકી છે. ગુજરાતની ટીમ ગત વર્ષે પ્રવેશતાની સાથે જ ચેમ્પિયન બની હતી. અમદાવાદની પીચ બેટ્સમેનોને ઘણી મદદ કરે છે. ગુજરાત અને મુંબઈ વચ્ચે ક્વોલિફાયર-2માં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થયો હતો. આ સાથે આ પીચ પર ફાસ્ટ બોલરોને શરૂઆતમાં થોડી મદદ મળી શકે છે. જેમ જેમ મેચ આગળ વધશે તેમ તેમ સ્પિનરોને પણ થોડી મદદ મળી શકે છે. અમદાવાદમાં આજે સાંજે વરસાદ થવાની સંભાવના છે. હવામાન ખાતએ અમદાવાદમાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.IPL 2022માં ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો. જો કે આ વર્ષે BCCI દ્વારા જાહેર કરાયેલ પ્લેઓફ શેડ્યૂલ મુજબ IPL 2023ની ફાઈનલ માટે કોઈ રિઝર્વ ડે નથી. આ વર્ષે IPL 2023ના વિજેતાનો નિર્ણય આજે મેચના દિવસે જ નક્કી કરવામાં આવશે.જો કોઈ એક ટીમ પ્રથમ ઇનિંગમાં તેની તમામ 20 ઓવર રમી લે છે તો બીજી ટીમે પણ ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ મેચનો નિર્ણય કરવા માટે પાંચ ઓવર રમવી પડશે. જો બીજી ટીમ પાંચ ઓવર રમ્યા બાદ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય છે તો વિજેતા નક્કી કરવા માટે ડકવર્થ-લુઈસના નિયમનો ઉપયોગ કરવામાં આવશે. જો કોઈ કારણોસર બંને અથવા કોઈપણ એક ટીમ પાંચ ઓવર રમી શકતી નથી અને કટ-ઓફ સમય વટાવ્યા બાદ વરસાદ બંધ થઈ જાય છે નિયમો મુજબ નિર્ણયો લેવાશે. આ નિયમો મુજબ બંને ટીમો સુપર ઓવર રમશે અને સુપર ઓવરમાં નક્કી થશે કે કઈ ટીમ ચેમ્પિયન બનશે. જો સુપર ઓવર પણ મુશ્કેલ બને તેમજ મેચમાં કોઈ નિર્ણય ન આવે તો લીગ રાઉન્ડના પોઈન્ટના આધારે ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. જો આમ થાય તો ગુજરાત 20 પોઈન્ટ સાથે ટોપ પર છે આ માટે ગુજરાત ટાઇટન્સની ટીમ ચેમ્પિયન બની શકે છે.