
ઇન્દ્રિયો જેની દાસી થવા તૈયાર થઈ હોય એને હું ગોંસાઈ કહું છું.
“નરસિંહ વિશે બહુ સંશોધન રહેવા દો!થાકી જશો,હરિ ભજો!”
કૃષ્ણની પ્રત્યેક ચેષ્ટામાં કંઈકને કંઈક સંદેશ હોય છે.
ગોપનાથ મહાદેવની રસભરી ભૂમિ પર સ્વાન્ત: સુખાય ચાલી રહેલી રામકથા આજે છઠ્ઠા દિવસમાં પ્રવેશતા પહેલા એક નાનકડો ઉપક્રમ રચાયો: બાપાલાલભાઈ ગઢવી ગુજરાતી લોકવાર્તા ક્ષેત્રમાં આદરપાત નામ.૫૦ જેટલી લોકવાર્તાઓનો સંગ્રહ કોને રંગ દેવો-જે ૧૯૯૪માં પહેલી આવૃત્તિ પ્રગટ થઈ એની ત્રીજી આવૃત્તિનું વ્યાસપીઠની સાક્ષીએ તેના સુપુત્ર ગિરીશભાઈ તેમજ જગદીશ ત્રિવેદી વગેરે લોકોની ઉપસ્થિતિમાં બ્રહ્માર્પણ કરવામાં આવ્યું.બાપુએ પોતાનો આદર અને રાજીપો વ્યક્ત કરતા કહ્યું કે બ્રહ્માર્પણ થાય તો શબ્દ બ્રહ્મા સુધી પહોંચે છે અને સર્જકનો શબ્દ ફરી ફરીને ત્યાં પહોંચે છે. છોકરાઓએ શ્રાદ્ધમાં આવા જ તર્પણ કરવા જોઈએ. શબ્દ બે રીતે આવે છે કાં ઉપરથી આવે અને કંઠમાંથી નીકળે,કા નીચે કોઠામાંથી નીકળીને કંઠમાં આવે.આવા
કવિઓને શબ્દકોઠામાંથી આવ્યા અને કંઠમાં એ દેખાયા,કંઠમાં આવ્યા પછી એ વૈકુંઠ સુધી પહોંચે છે. એની કવિતા,વાર્તા,દોહાઓના ૬૦-૬૫ વરસ પહેલાના અનુભવોનું વર્ણવતા કહ્યું કે સાવ નાનકડી ટ્રેનમાં તલગાજરડાથી હું બેસતો એ છાપરા નીચે અમે રાહ જોતા અને બે કલાક સુધી સત્સંગ કર્યો ત્યારે એમણે પૂછેલું કે રામચરિત માનસમાં આતંક અને આતતાયી શબ્દો છે કે નહીં? ગીતાજીમાં આતતાયી શબ્દ છે.જેનો અર્થ જ આતંક થાય છે એ પછી એને ગોસ્વામી એટલે કે ગોસાઈનો અર્થ પણ પૂછેલો.ગો એટલે ઇન્દ્રિય અને સાંઈ એટલે માલિક, સ્વામી,નાથ.જેણે ઈન્દ્રીયને વશ કરી હોય,એનો સ્વામી હોય એ ગોંસાઈ.પણ મારા મતે કોઈનું દમન કરવું, સ્વામીત્વ કરવું એ સૂક્ષ્મ હિંસા છે.એટલે ઇન્દ્રિયો જેની દાસી થવા તૈયાર થઈ હોય એને હું ગોસાઈ કહું છું.


