
શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતે વિધાનસભા ગૃહમાં કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક ૨૦૨૫ રજુ કરતા કહ્યું હતું કે, રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા, રાષ્ટ્રીય હિતમાં નવા ઔદ્યોગિક એકમોમાં રોકાણ આકર્ષવું અને રાજ્યમાં વધુ રોજગારી ઉભી કરવા માટે કારખાનાઓને યોગ્ય રાહતો આપવાની સાથે-સાથે શ્રમિકોના હિતનું રક્ષણ કરવામાં આવશે.તેમણે કહ્યું હતું કે, કારખાના ધારો કેન્દ્ર સરકારનો કાયદો છે. તેમાં મળેલ સત્તાઓ અનુસંધાને માનનીય રાષ્ટ્રપતિની અનુમતિથી રાજ્ય સરકારો પોતાના રાજ્યને લાયક જરૂરી સુધારા કરી શકે છે અને તે સત્તા હેઠળ ખાસ કારખાના જૂથને અથવા વર્ગને દૈનિક કામના કલાકો તથા ઓવરટાઇમના કલાકોની સંખ્યામાં ફેરફાર કરવાની અને રાત્રીપાળીમાં મહિલા શ્રમયોગીઓને કામે રાખવાની પરવાનગી આપવાની સત્તા ગુજરાત સરકારને પ્રાપ્ત થાય તેવી જોગવાઇ કરવાનો આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ છે. મંત્રી રાજપુતે કહ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં સરકારને જરૂરી લાગે તેવી શરતો-ખાસ કરીને મહિલા શ્રમયોગીઓની સલામતી અને સ્વાસ્થ્ય સંબંધી શરતોને ધ્યાને રાખીને આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરીને જ આવી મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આપશે તેવી જોગવાઇ આ વિધેયકમાં કરવામાં આવી છે.
મંત્રીએ કહ્યું હતું કે, કોઇપણ રાજ્યમાં નવા-નવા ઉદ્યેાગો અને મૂડીરોકાણ કરવા માટે ઉદ્યેાગકાર ત્યારે જ આવે કે જ્યારે રાજ્યમાં તેને ઉદ્યોગ સ્થાપવા માટે અનુકૂળ વાતાવરણ હોય. આ માટે અનુકૂળ વાતાવરણ એટલે ઉદ્યોગ સ્થાપવા માટે જરૂરી જમીન સરળતાથી પ્રાપ્ત થાય, માળખાનો ઝડપી વિકાસ થઇ શકે તેવા સંજોગો હોય, તેમને જરૂરી કુશળ માનવબળ ઉપલબ્ધ થાય, સરકારની ઉદાર આર્થિક નીતિઓ હોય તેમજ ઉદ્યેાગ શરૂ કરી તેને સફળતાપૂર્વક ચલાવવા માટે કાયદાકીય રીતે ઓછી આટીઘૂંટી અને સરળ જોગવાઇઓ ધરાવતુ વાતાવરણ મળી રહેતું હોય છે.


