
આજે અમદાવાદમાં ટાઈટલ માટે જંગ, ભારત અને ન્યુઝીલેન્ડ મેચને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ
ભારત અને ન્યુઝીલેન્ડ 2026 ના T20 વર્લ્ડ કપના ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. આ ટાઇટલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ICC T20 વર્લ્ડ કપ 2026 ના ફાઇનલમાં બે પ્રબળ બેટિંગ લાઇનઅપ વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળશે. બધાની નજર ઓપનર્સ પર રહેશે, જે મેચનો માર્ગ નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જ્યારે ભારત પોતાનું ટાઇટલ બચાવવાનું લક્ષ્ય રાખશે, ત્યારે ન્યુઝીલેન્ડ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચવાનો લક્ષ્ય રાખશે. મેચની પળે પળેની અપડેટ માટે જોડાયેલા રહો Etv Bharat સાથે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે T20 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ યોજાવા જઈ રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને આખા શહેરમાં દિવાળી જેવો માહોલ છે. મેચ ભલે સાંજે શરૂ થવાની હોય, પણ સ્ટેડિયમની બહાર અત્યારથી જ ચાહકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અમદાવાદમાં ક્રિકેટને માત્ર રમત નહીં પણ ધર્મ માનવામાં આવે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફેન્સનું આગમન શરૂ થઈ ગયું છે. કેટલાક ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ ‘લાલા’ને પણ પોતાની સાથે લઈને આવ્યા છે. હાથમાં તિરંગો અને મુખે જય શ્રી કૃષ્ણના નાદ સાથે ફેન્સમાં એવો જુસ્સો છે કે ભારત આજે આ ફાઈનલ જીતીને જ રહેશે. ફાઈનલ મેચને લઈને પોલીસ તંત્ર સજ્જ છે. 8 DCP, 14 ACP અને 27 PI સહિત 1,800 થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત છે. સુરક્ષા માટે નીચે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે: ગઈકાલે ભારતીય ક્રિકેટરોએ અમદાવાદના પ્રખ્યાત ચમત્કારિક હનુમાનજી મંદિરે દર્શન કર્યા હતા. ફાઈનલ મેચમાં જીત મેળવવા માટે ખેલાડીઓએ દાદાના ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું. ખેલાડીઓની આ આસ્થા સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચામાં છે. સ્ટેડિયમ તરફ આવતા રસ્તાઓ પર ટ્રાફિક જામ ન થાય તે માટે 744 અધિકારીઓ અને કર્મીઓ ખડેપગે છે. હોમગાર્ડ અને TRB ના 700 જવાનો ટ્રાફિક નિયમન માટે ખાસ તૈનાત કરવામાં આવ્યા છે.


