અમદાવાદ : આમ આદમી પાર્ટીના મુખ્યમત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ મતદાન પુરૂ થાય તે પહેલાં જ મોટો દાવો કર્યો છે. તેમણે ખંભાળીયામાં મતદાન બાદ કહ્યું હતું કે, પ્રથમ તબક્કાની 89 બેઠકોમાંથી 51 બેઠકો પર આમ આદમી પાર્ટી જીત મેળવી રહી છે. અમારા આંતરિક સરવેમાં અમને જીત મળવાના તારણો મળ્યાં છે.ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, આજે મતદાનનો દિવસ છે. લોકો આમ આદમી પાર્ટીને મત આપી રહ્યાં છે. અમારા આંતરિક સરવે મુજબ આમ આદમી પાર્ટીને પ્રથમ તબક્કાની 89 બેઠકોમાંથી 51 બેઠકો પર જીત મળી રહી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે અને તેઓ ખંભાળીયાથી ચૂંટણી લડી રહ્યાં છે. આજે મતદાન પહેલાં જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મતદારોને અપીલ કરીને કહ્યું કે તમારી પાસે સુવર્ણ તક આવી છે. ગુજરાતના અને તમારા બાળકોના સારા ભવિષ્ય માટે મત જરૂર આપો. આ વખતે કઈક ગજબ કરીને બતાવો. આજે કેજરીવાલ અમદાવાદમાં રોડ શો કરવાનાં છે. તેમની સાથે સાંસદ રાઘવ ચઢ્ઢા અને પૂર્વ ક્રિકેટર હરભજનસિંહ પણ જોડાવાનાં છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કતારગામ વિધાનસભા બેઠકના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને આક્ષેપ કર્યો હતો કે, તેમણે ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું કે, ભાજપના લોકોના દબાવમાં જ કામ કરવું હોય તો પછી ચૂંટણી જ કેમ યોજો છો. 89 બેઠકો પર 3.5 ટકા મતદાન થયું છે તો કતારગામ બેઠક પર માત્ર 1.41 ટકા જ કેમ. એક નાના બાળકને હેરાન કરવા માટે આટલી હદ ના વટાવો.