ગુજરાતના સુરતના ચકચારી જયંતિ ભાનુશાળી બળાત્કાર કેસમાં નામ ઉછળ્યાં બાદ કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ થઈ છે. છબીલ પટેલ સામે દિલ્હીના દ્વારકા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ, બ્લેકમેઈલ અને જાનથી મારી નાંખવાની ફરિયાદ થઈ છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ એક વિધવા મહિલાએ છબીલ પટેલ પર શારીરિક શોષણ કર્યાં હોવાનો આરોપ લગાવ્યો છે.
છબીલ પટેલે આરોપ ફગાવ્યો
પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે દુષ્કર્મના આરોપની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે, હું 17મી તારીખે માંડવી હતો, પૈસા આપીને કોઈને ફરિયાદ નોંધાવીને મને બદનામ કરવાનું ષડયંત્ર છે. હું ફેબ્રુઆરી મહિનામાં દિલ્હી ગયો જ નથી, મારા રાજકીય દુશ્મનો ઘણાં છે. મને રાજકીય રીતે ફસાવવામાં આવે છે.
છબીલ પટેલ પર બળાત્કાર, બ્લેકમેઈલ અને ધમકી સહિતના આરોપ
– પીડિતાના આરોપ મુજબ NGO ખોલવાના હેતુસર એક વ્યક્તિ તેને છબીલ પટેલના ફ્લેટ પર લઈ ગયો હતો.
– છબીલ પટેલ પર આરોપો કરતાં મહિલાએ એક પત્ર પણ લખ્યો છે.
– પત્રમાં કરાયેલાં ઉલ્લેખ મુજબ મહિલા સાથે દુષ્કર્મ કર્યાં બાદ તેના બિભત્સ ફોટા પાડવામાં આવ્યાં હતા. જેની મદદથી તેને બ્લેકમેઈલ કરી અનેક વખત શારીરિક શોષણ કર્યું હોવાના આક્ષેપ કર્યાં છે.
– મહિલાની ફરિયાદ મુજબ દુષ્કર્મ અને બ્લેકમેઈલ જ નહીં પરંતુ તેની પાસેથી 7 લાખ રૂપિયા પણ પડાવવામાં આવ્યાં છે.
– આ ઉપરાંત મહિલાએ ફરિયાદ કરી છે કે છબીલ પટેલે તેને અને તેના બાળકોને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
– મહિલાએ ફરિયાદમાં અન્ય નેતાઓ અને ઉદ્યોગપતિઓને ફસાવવા પોતાના પર દબાણ કરાતાં હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
– દિલ્હીની દ્વારકા પોલીસે મહિલાની ફરિયાદ નોંધ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરી છે.