બૉલીવૂડમાં એક સમય એવો હતો જ્યારે કહેવાતું કે લગ્ન પછી અભિનેત્રીઓની કારકિર્દી ખતમ થઇ જાય છે. તેમને કામ નથી મળતું, પણ આજના સમયમાં કેટલીયે અભિનેત્રીઓ છે, જે લગ્ન પછી પણ પરદા પર સફળતાની નવી ઊંચાઇ સર કરી રહી છે.
તેમને કેન્દ્રીય ભૂમિકાઓ મળે છે એટલું જ નહીં, પણ બૉક્સ ઓફિસ પર પણ સફળતા મળી રહી છે. દર્શકો પણ તેમને ખુલ્લા દિલે સ્વીકારે છે. આવો જોઇએ એવી કઇ અને કેટલી અભિનેત્રીઓ છે, જે સફળતાપૂર્વક પોતાની ફિલ્મી ગાડી લગ્ન પછી પણ દોડાવી રહી છે.
વિદ્યા બાલન
વિદ્યા એવી જ અભિનેત્રી છે, જેણે નિર્માતા સિદ્ધાર્થ રૉય કપૂર સાથે ૨૦૧૨માં લગ્ન કર્યા હતા. હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘મિશન મંગલ’માં વિદ્યાએ અક્ષય કુમારની સામે લીડ રોલ કર્યો હતો, જેણે બૉક્સ ઓફિસ પર રૂ. ૨૦૦ કરોડથી વધારે કલેકશન કર્યું છે. હવે વિદ્યા ગણિતજ્ઞ અને હ્યુમન કમ્પ્યુટર તરીકે પ્રસિદ્ધિ પામનાર શકુંતલા દેવીની બાયોપિકમાં જોવા મળશે. આ ફિલ્મને અનુ મેનન ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફ્લ્મિ આગામી વર્ષે રિલીઝ થશે.
પ્રિયંકા ચોપરા
ગયા વર્ષે પોતાનાથી ૧૦ વર્ષ નાના અમેરિકન સિંગર અને એક્ટર નિક જોનસ સાથે લગ્ન કરનાર પ્રિયંકા બૉલીવૂડ સિવાય હૉલીવૂડમાંપણ બહુ નામ કમાઇ રહી છે. હવે તેની ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ રિલીઝ થવાની છે, જેના માટે પ્રિયંકાને બહુ પ્રશંસા મળી રહી છે. શોનાલી બૉઝના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ મુખ્ય ભૂમિકામાં છે. આમ, હવે તો પ્રિયંકાની કારકિર્દી વધારે સારી ચાલશે, કારણ કે તે હૉલીવૂડમાં વધારે રહેશે અને ત્યાં તેને વધારે કામ મળશે.
સોનમ કપૂર
૨૦૧૮માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે ઘર વસાવી ચૂકેલી અભિનેત્રી સોનમ કપૂર હવે ‘ધ ઝોયા ફેક્ટર’માં જોવા મળશે, જે એક મહિલાલક્ષી ફિલ્મ છે. અભિષેક શર્મા નિર્દેશિત આ ફિલ્મમાં ક્રિકેટ અને કિસ્મતની તડજોડ પર આધારિત વાર્તા છે. સોનમ સાથે તેમાં હીરો દલકેર સલમાન છે.
કરીના કપૂર
સૈફ અલી ખાન સાથે ૨૦૧૨માં લગ્ન કર્યા પછી કરીના કપૂરની કારકિર્દી અટકી નથી.
કરીના આ વર્ષે અક્ષય કુમાર સાથે ‘ગુડ ન્યૂઝ’માં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. લગ્ન પછી કરીનાએ કેટલીયે સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં દબંગ ટુ, સત્યાગ્રહ, સિંઘમ રિટર્ન્સ, બજરંગી ભાઇજાન, ઉડતા પંજાબ અને વીરે દી વેડિંગ જેવી સફળ ફિલ્મો તેના નામે છે.
રાની મુખરજી
લગ્ન પછી રાની બહુ ઓછી ફિલ્મો કરી રહી છે, પણ દમદાર ફિલ્મો કરે છે. ૨૦૧૪માં આદિત્ય ચોપરાની દુલ્હનિયા બન્યા પછી રાનીની ‘મર્દાની’ ફિલ્મ રિલીઝ થઇ હતી. જેણે બૉક્સ ઓફિસ પર સારો વ્યવસાય કર્યો હતો. ગયા વર્ષે આવેલી તેની ‘હિચકી’ ફિલ્મ પણ હિટ રહી હતી. હવે રાની ‘મર્દાની ટુ’માં ફીમેલ લીડમાં જોવા મળશે. આ ફિલ્મમાં પણ તેનો દમદાર રોલ હશે.
દીપિકા પદુકોણ
દીપિકાની પહેલી રિલીઝ થયેલી ફિલ્મ તેના હોમ પ્રોડકશનની ફિલ્મ ‘છપાક’ હશે, જેમાં તે એસિડના હુમલામાં બચી ગયેલી યુવતીનો રોલ કરી રહી છે. આ ફિલ્મને મેઘના ગુલઝાર નિર્દેશિત કરીરહી છે.
તે સિવાય ભારતીય ક્રિકેટ ટીમ પહેલો વિશ્ર્વ કપ જીતી તેના પર બની રહેલી કબીર ખાનની ફિલ્મ ’૮૩માં પણ તે તેના પતિ રણવીર સિંહ સાથે જોવા મળશે. રણવીર કપિલ દેવ અને દીપિકા તેની પત્ની રોમીના રોલમાં છે.
અનુષ્કા શર્મા
૨૦૧૭માં વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા ત્યારે અનુષ્કા ૨૯ વર્ષની હતી. હવે તે મેરિડ લાઇફ એન્જૉય કરવા સાથે ફિલ્મી કારકિર્દી પણ સારી રીતે સંભાળી રહી છે.
લગ્ન પછી અનુષ્કા ‘સંજુ’ અને ‘સૂઇ ધાગા’ જેવી ફિલ્મોમાં હિરોઇન બની હતી.