અમદાવાદ : ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગઇકાલે અમદાવાદના પૂર્વ ઝોનના વસ્ત્રાલ વોર્ડ માં રૂ. ૪ કરોડના ખર્ચે નવનિર્મિત ૩ સ્માર્ટ મોડલ સ્કૂલ, રૂ.૨૩.૬૪ કરોડના ખર્ચે નવનિર્મિત વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન અને રૂ.૨૬.૨૪ લાખના ખર્ચે નવનિર્મિત આંગણવાડી સહિતના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું.ગૃહ રાજ્યમંત્રીએ આ અવસરે કહ્યું કે, પશ્ચિમ અમદાવાદ જેવો જ વિકાસ પૂર્વ વિસ્તારમાં થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જેના કારણે જ છેલ્લા થોડા સમયમાં જ રૂ. ૩૫ કરોડના વિવિધ વિકાસ કાર્યોથી પૂર્વ વિસ્તાર ધમધમતો થયો છે.પૂર્વ અમદાવાદ એ પ્રમાણમાં પછાત અને ઝડપથી વિકસિત થઇ રહેલો વિસ્તાર છે ત્યારે વધતી વસ્તીને જરૂરિયાત પારખીને સમયોચિત આયોજન કરી આ વિસ્તારને શિક્ષણ, પાણી, ગટર- વ્યવસ્થા અને સ્વાસ્થ્ય જેવી સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે સમયાંતરે વિવિધ વિકાસ પ્રકલ્પો પ્રજા માટે ઉપલબ્ધ બનાવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં વસ્ત્રાલ વોર્ડમાં રતનપુરા તળાવનું રૂ.૧૦ કરોડના ખર્ચે આધુનિકીકરણ કર્યું છે.હવે આ જ વિસ્તારમાં રૂ. ૨૩.૬૪ કરોડના ખર્ચે નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનનું નિર્માણ થવાથી લોકોને શુદ્ધ અને ચોખ્ખું પીવાનું પાણી ઉપલબ્ધ બનશે.