
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના કુખ્યાત બૂટલેગરના પુત્રનું મોંઘીદાટ કારમાં આવેલા શખ્સોએ અપહરણ કરીને ઢોર માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના બાદ બુટલેગરના સાગરિતોએ અડધી રાત્રે કૃષ્ણનગર અને નરોડા વિસ્તારમાં ગાડીઓના કાચ તોડી રીતસરનો આતંક મચાવ્યો હતો. ખુલ્લી તલવારો અને લાકડાના ધોકાઓથી ગાડીઓમાં તોડફોડ કરી હતી. કેટલાંક લોકો તો નશાની હાલતમાં લથડ્યા ખાઈ રહ્યાં હતાં. આ સમયે જ ત્યાથી પોલીસની ગાડી નીકળી હતી, છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. કૃષ્ણનગર પોલીસે બુટલેગર કિશોરસિંહ રાઠોડના દીકરા અજીતસિંહની ફરિયાદના આધારે ધમા બારડ અને અન્ય ચાર શખસ સામે ગુનો નોંધ્યો છે. તો ગાડીમાં તોડફોડ બાબતે પણ ગુનો નોધવામાં આવ્યો છે.આ અંગેની મળતી માહિતી મુજબ, અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના કુખ્યાત બૂટલેગર કિશોરસિંહ રાઠોડનો દીકરો અજીતસિંહ ગુરુવારે રાત્રે પોતાની હોટલ બંધ કરીને ઘરે જઈ રહ્યો હતો. રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં તેની શ્યામ વિહાર સોસાયટીના દરવાજા પાસે પહોંચ્યો હતો. આ સમયે અચાનક એક મર્સિડીઝ કાર આવી અને ડિપર માર્યું હતું. જેથી અજીતસિંહે કાર રોકાવીને કેમ ડિપર માર્યુ તેમ કહ્યું હતું. અજીતસિંહ આટલું બોલતાની સાથે જ એક શખ્સે કારમાંથી ઉતરીને અજીતસિંહના માથામાં લાકડી ફટકારી દીધી હતી.
યુવકનું અપહરણ કરી માર માર્યો :
જે બાદ કારમાં બેઠેલા અન્ય શખ્સે કોઇને ફોન કરતાં થોડીક જ મિનિટોમાં બ્લેક કલરની અન્ય એક કાર આવી. જેમાં આવેલા કુખ્યાત ધમા બારડ અને તેના બે સાગરીતોએ અજીતસિંહને ઢોર માર મારી કારમાં અપહરણ કરીને લઇ ગયા હતા. થોડેક દૂર લઇ જઇને અજીતસિંહને ફરીથી માર માર્યો હતો. આ દરમિયાન અજીતસિંહના કોઇ ઓળખીતા આવી જતાં ધમા બારડ સહિત પાંચેય જણા ત્યાંથી ફરાર થઈ ગયા હતા.