શહેરના એસજી હાઇવેના કોલસેન્ટરના ઓનર્સ પાસેથી રૂ.30 લાખ રાતે લીધા બાદ રૂ. 35 લાખ બીજા દિવસે લેવામાં આવ્યા હતા
તોડકાંડ બાદ PI, PSI અને પોલીસકર્મીઓની બદલી કરી તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી
અમદાવાદ:
શહેરના એસજી હાઇવે પરથી કોલસેન્ટરના ડેટા સાથે બે યુવકોને પકડી કોલસેન્ટર ચલાવતાં માલિક પાસેથી રૂ. 65 લાખનો તોડ કરવાના કેસમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી.જાડેજા, પીએસઆઇ અને પાંચ કોન્સ્ટેબલને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે સસ્પેન્ડ કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસ બાદ કરાયેલા રિપોર્ટ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ કેસમાં ચર્ચામાં રહેલા IPS અધિકારીનો બચાવ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલામાં ક્યાંય તેઓની ભૂમિકા નથી બતાવાઈ.
રિપોર્ટમાં બેદરકારી આવતાં PI, PSI , 5 પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ
બે મહિના પહેલા એસજી હાઇવે પરથી બે વ્યક્તિને પકડી પહેલા રૂ. 30 લાખનો અને બાદમાં રૂ. 35 લાખ એમ મળી કુલ રૂ. 65 લાખનો તોડ કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી. જેનો રિપોર્ટ પોલીસ કમિશનરને સોંપાયો હતો. તોડકાંડ અને પોપ્યુલર બિલ્ડરને સવલત આપવા મામલે તાત્કાલિક અસરથી પીઆઇ વાય.બી.જાડેજાની બદલી સ્પેશિયલ બ્રાન્ચમાં કરી દેવાઈ હતી. રિપોર્ટમાં બેદરકારી આવતાં પીઆઇ, પીએસઆઇ અને પાંચ પોલીસ કોન્સ્ટેબલને પોલીસ કમિશનરે સસ્પેન્ડ કર્યા હતા.
IPS અધિકારીઓ પણ આ કેસમાં હોવાની ચર્ચા હતી
સમગ્ર કાંડમાં IPS અધિકારીની ભૂમિકાને દબાવી દેવામાં આવી છે. તોડકાંડ સમયે IPS અધિકારીઓ પણ આ કેસમાં હોવાની ચર્ચા હતી, જોકે તપાસમાં માત્ર પીઆઇ, પીએસઆઇ અને પાંચ કોન્સ્ટેબલના જ નામ ખુલ્યા છે જેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
અંત્રે ઉલ્લેખનિય છે કે, પીઆઈ જાડેજા પોપ્યુલર ગ્રૂપના રમણ-દશરથ સહિત 9 આરોપીઓ વિરુદ્ધ થલતેજની અબજો રૂપિયાની જમીન હડપવાની ફરિયાદની તપાસ કરતા હતા. તો બીજી તરફ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિતના લોકોએ 65 લાખનો તોડ કર્યાની ચર્ચાની તપાસ ક્રાઈમબ્રાન્ચને સોંપવામાં આવી હતી.