ગુજરાત યુનિ.ની ઓનલાઈન પરીક્ષા માટે અચાનક ૨૮ હજાર વિદ્યાર્થી નોંધાયા

0
77
યુનિ.એ બે વાર ઓપ્શન રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું પરંતુ ઓનલાઈન પરીક્ષા માટે માંડ ૬ હજાર વિદ્યાર્થી નોંધાયા
યુનિ.એ બે વાર ઓપ્શન રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું પરંતુ ઓનલાઈન પરીક્ષા માટે માંડ ૬ હજાર વિદ્યાર્થી નોંધાયા

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીએ શિયાળુ સત્રની યુજી-પીજીની વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે લેવાનું જાહેર કર્યુ છે અને ઓનલાઈન પરીક્ષા માટે ઓપ્શન રજિસ્ટ્રેશન પણ કરાવ્યુ છે ત્યારે એકાએક ૨૮ હજાર વિદ્યાર્થીએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. ૪.૫ ગણા વિદ્યાર્થી વધવા પાછળ વિદ્યાર્થીઓને કોરોનોનો ડર છે કે પછી ચોરી કરી પાસ થવાની ઘેલછા જવાબદાર છે ?ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોનાને પગલે ગત સપ્ટેમ્બરમાં ઉનાળુ સત્રની વિવિધ સેમેસ્ટર પરીક્ષાઓ ઓફલાઈન સાથે પ્રથમવાર ઓનલાઈન પણ લેવાઈ હતી.યુનિ.એ બે વાર ઓપ્શન રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું પરંતુ ઓનલાઈન પરીક્ષા માટે માંડ ૬ હજાર વિદ્યાર્થી નોંધાયા હતા.પ્રથમવારની ઓનલાઈન પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓને એ ડર હતો કે એમસીક્યુ પરીક્ષા હોવાથી માર્કસ નહી આવે, લેખિત પરીક્ષામાં થોડુ ઘણુ લખ્યુ હોય તેના પણ માર્કસ મળે જેથી ઓનલાઈન પરીક્ષા માટે ખૂબ જ ઓછું રજિસ્ટ્રેશન થયુ હતું.મોટા ભાગના વિદ્યાર્થીએ ઓફલાઈન પરીક્ષા આપી હતી.બીજી બાજુ જીટીયુની ગત સમર સેમેસ્ટર પરીક્ષામાં માંડ ૮ હજારે ઓફલાઈન આપી હતી અને ૪૬ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા આપી હતી.જીટીયુએ ગેરરીતિઓની ફરિયાદોને પગલે હવે વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓ માત્ર ઓફલાઈન જ લેવાનું નક્કી કર્યુ છે.જ્યારે ગુજરાત યુનિ.દ્વારા કોરોનાની સ્થિતિ અને સેન્ટરો પર દૂર દૂરથી વિદ્યાર્થીઓને આવવુ પડે તે સ્થિતિને ધ્યાનમાં રાખી આ વખતે પણ ઓનલાઈન પરીક્ષા લેવાનું નક્કી કર્યુ છે.જે માટે વિકલ્પ પસંદગીનું રજિસ્ટ્રેશન પણ પૂર્ણ કરી દેવાયુ છે.જેમાં ૨૭૮૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા આપવાનું પસંદ કર્યુ છે. યુનિ.દ્વારા બીએડ,એલએલબી સહિતના કેટલાક કોર્સમાં તો ઓનલાઈન પરીક્ષા લેવાનાર પણ નથી ત્યારે એકાએક આટલા બધા વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા માટે વધવાનું કારણ શું ? ૪.૫ ગણા વિદ્યાર્થીઓ વધવા પાછળ શું કોરોનાનો ડર જવાબદાર છે કે પછી ચોરી કરી પાસ થવાની ઘેલછાં? ગુજરાત યુનિ.ની ગત  પ્રથમવારની ઓનલાઈન પરીક્ષાના જે પરિણામો આવ્યા છે તેમાં અનેક વિદ્યાર્થીઓએ પુરા ૧૦૦ ટકા માર્કસ મેળવ્યા છે અને પરિણામ ઘણું ઉંચુ આવ્યુ છે તેમજ ઘરબેઠા ઓનલાઈન પરીક્ષામાં ગેરરીતિઓ પણ ધુમ થઈ છે.