ગઈકાલે શેલા વિસ્તારમાં આવેલા આવિષ્કાર હોલ પાસે બનાવ બન્યો
અકસ્માત બાદ કાર ચાલક ઘટનાસ્થળથી ફરાર

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. શહેરના શેલા વિસ્તારમાં એક પુરપાટ ઝડપે આવી રહેલી કારે ત્રણ અન્ય કારને ટક્કર મારી હતી. કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ શેલા વિસ્તારમાં એક પુરપાટ ઝડપે આવી રહેલી કારે અકસ્માત સર્જ્યો હતો, અકસ્માત એટલો ગંભીર હતો કે કારની આગળનો બોનેટ બુકડો બોલી ગયો હતો. સદનસીબે કારમાં એરબેગ ખુલી જતા કાર ચાલકને કોઈ ઈજા થઈ ન હતી. આ કારચાલક શેલા ખાતે સ્કાય સિટીમાં ફ્લોરિશ બંગલો નંબર 135માં કાર રહેતો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે અને કાર મનોજ અગ્રવાલના નામે છે. કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
અકસ્માતમાં મોટી જાનહાની ટળી
શહેરમાં ઈસ્કોન બ્રિજ પર થયેલો ભયાનક અકસ્માત હજૂ ભુલાયો નથી ત્યારે એક પછી એક અકસ્માતના બનાવ બની રહ્યા છે. હજૂ થોડા દિવસો પહેલા જ એક BMW કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ત્યારે હવે ફરી એકવખત શેલા વિસ્તારમાં આવેલા આવિષ્કાર હોલ ચાર રસ્તા પાસે ગઈકાલે મોડી રાત્રે અકસ્માતની ઘટના બની હતી જેમાં એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારે ત્રણ અન્ય કારને જોરદાર ટક્કર મારતા બે કારને ખુબ જ નુકસાન થયુ હતું જ્યારે એક કારને સામાન્ય નુકસાન થયુ છે. જો કે આ અકસ્માતમાં મોટી જાનહાની ટળી હતી. હાલ પોલીસની ટીમ અકસ્માતની તપાસ કરી રહી છે.