અમદાવાદ સુભાષબ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ સહિત રાજ્યની દરેક આરટીઓ કચેરીમાં એજન્ટનું દૂષણ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું હોવાની અનેક ફરિયાદોના પગલે તાજેતરમાં જ વાહનવ્યવહાર કમિશનરને પરિપત્ર દ્વારા આદેશ જાહેર કરવાની ફરજ પડી છે તે મુજબ હવે આરટીઓ કચેરીમાં એજન્ટ મળી આવશે કે ઝડપાશે તો તેની જવાબદારી આરટીઓના વડાની રહેશે.પરિપત્રમાં જણાવ્યા મુજબ આરટીઓ કચેરીમાં કચેરીના વડાની રહેમ નજર હેઠળ જ એજન્ટ પ્રથા હવે પછી ચાલી શકશે નહીં. ૪ સપ્ટેમ્બરે જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે હવે આરટીઓ કચેરીમાં એજન્ટ પ્રથા (અનધિકૃત ઇસમો) ચાલુ હોવાનું ધ્યાને આવશે તો કચેરીના વડાની અંગત જવાબદારી રહેશે અને તેમની નિષ્ફળતા બદલ ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો-૧૯૭૧ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પરિપત્રનો કડક અને સખતાઈપૂર્વક અમલ કરવા તેમજ જરૂર જણાય તો સ્થાનિક પોલીસનો પણ સહકાર લઇ એજન્ટ પ્રથા કોઈ પણ સ્વરૂપથી અસ્તિત્વમાં ન રહે તેમજ અનધિકૃત ઇસમો કચેરીમાં કે કચેરી કંપાઉન્ડમાં ન આવે તેવાં પગલાં લેવા તમામ આરટીઓ-એઆરટીઓને સૂચના આપવામાં આવી છે. કચેરીઓમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરી અને વચેટિયા તરીકે કામ કરી વધારે પૈસા પડાવતા હોવાની રોજબરોજ અનેક ફરિયાદો તંત્રને મળતી હતીઅત્રે ઉલ્લેખનીય છે કે આરટીઓ વડાની જવાબદારી ફિક્સ થતાં જ તાજેતરમાં જ અમદાવાદ આરટીઓમાં બેરોકટોક ઘૂસણખોરી કરનારા એજન્ટની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. તમામને આરટીઓ કચેરીના મુખ્ય દરવાજા બંધ કરીને પાછળ દરવાજેથી ઝડપી લેવામાં આવ્યા હતા.