બસમાં મહિલા કંડક્ટર સાથે બોલાચાલી કરતા પ્રવાસી શિક્ષકનો રોફ ઉતારાયો

0
34

થરાદ દિયોદર એસ.ટી બસમાં એક મુસાફરે છુટાપૈસા બાબતે મહિલા કંડકટર સાથે બોલાચાલી કરવી ભારે પડી હતી. જેમાં તેણે માફીપત્ર લખી આપતાં સમાધાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ મુસાફર થરાદ તાલુકાની બોર્ડરવિસ્તારની એક શાળાનો પ્રવાસી શિક્ષક હોવાનું જાણવા મળ્યું હતું. ગુરુવારે દિયોદર ડેપોની એક બસ થરાદ આવી હતી. જેમાં પ્રવાસ કરનાર એક યુવક મુસાફરને મહિલા કંડકટર પાસે ચાર રૂપીયા છુટા લેવાના નિકળતા હતા.

જોકે કંડક્ટર પાસે છુટા પૈસા નહી હોવાના કારણે તેણીએ મુસાફર પાસે છુટા પૈસા રાખવાનો અથવાતો ટિકીટ પાછળ લખાવી લેવાનો આગ્રહ રાખવા જણાવતાં તેણે સો રૂપીયાની નોટ માંગીને છુટા પૈસા લાવી આપવાનો આગ્રહ કરતાં કંડકટરે તેમ કરવાનો ઇન્કાર કર્યો હતો. આ વખતે ડેપોમાંથી બસ ઉપડતાં મુસાફરે ચાલુ બસ આગળ લાંબા હાથ કરી બસને રોકાવી તમાશો કરતાં મામલો વધારે બિચક્યો હતો. બીજી બાજુ કંડકટરે પણ નમતું નહી જોખતાં તેણીને ડેપોના કંટ્રોલપોઇન્ટ પર લઇ ગઇ હતી.

જ્યાં એક તબક્કે પોલીસને બોલાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી. આખરે મુસાફરે આ બાબતે માફીપત્ર લખી આપવું પડ્યું  હતું. આ યુવક થરાદ તાલુકાના બોર્ડર વિસ્તારની એક શાળાનો પ્રવાસી શિક્ષક હોવાનું જાણવા મળ્યું હતું. મુસાફર અને કંડકટર વચ્ચેની માથાકુટમાં બસ દોઢ કલાક જેટલી લેટ થતાં મુસાફરોને પણ હેરાન થવાનો વારો આવતાં મુશ્કેલીઓ ભોગવવી પડી હતી.