ડમ્પર અને થાર તેમજ જેગુઆર કારને લાવી ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરાયું
ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસની તપાસ કરવા માટે એક તપાસ કમિટીની રચના કરવામા આવી
અમદાવાદમાં બે દિવસ પહેલા ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ભયાનક અકસ્માત થયો હતો જેમાં પોલીસકર્મી અને હોમગાર્ડ સહિત 9 લોકોના મોત થયા હતા, ત્યારે આ કેસમાં આરોપી તથ્ય પટેલ (Tathya Patel)ની ધરપકડ કરીને તેના સોમવાર 4 વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે આ સાથે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી. ગઈકાલે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ઘટના સ્થળે સમગ્ર ઘટનાનું FSL અને પોલીસ ટીમે ફરી એકવાર રિકન્સ્ટ્રક્શન કર્યુ હતું. આ રિકન્સ્ટ્રક્શન માટે ડમ્પર અને થાર તેમજ જેગુઆર કારને ઘટના સ્થળે લાવવામાં આવી હતી.
પોલીસે અને FSLની ટીમે મળીને રીકંસ્ટ્રક્શન કર્યું
ઈસ્કોન બ્રીજ પર બનેલી અકસ્માતની ઘટના મામલે ગઈકાલે મોડી રાત્રે પોલીસે અને FSLની ટીમે મળીને રીકંસ્ટ્રક્શન કર્યું હતું, જેમા કારની સ્પીડ અને વિઝીબ્લીટીને માપવામાં આવી હતી. આ સિવાય ઘટના સમયે ભોગ બનનારને સાથે રાખી રીકંસ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અકસ્માત કરનાર જેગુઆર ગાડીનો બ્રેક FSL, RTOએ ટેસ્ટ કર્યો હતો. જેગુઆર કંપનીના ટેક્નિકલ ટીમ દ્વારા અકસ્માત કરનાર ગાડીને ચેક કરવામાં આવી હતી. અકસ્માત સમયે ગાડીની સ્પીડ, યાંત્રિક સ્થિતિ અને ગાડીની બ્રેક મારી હતી કે નહીં જેને લઈ રિપોર્ટ આપશે.
તપાસ કમિટીની રચના
અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસની તપાસ કરવા માટે એક તપાસ કમિટીની રચના કરવામા આવી છે જેમા ટ્રાફિક DCP નીતા દેસાઈ, ટ્રાફિક ACP એસ.જે મોદીનો કમિટીમાં સમાવેશ કર્યો છે. આ સાથે SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI અપૂર્વ પટેલ, SG-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI વી.બી.દેસાઈ, A ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI પી.બી.ઝાલા, N ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI કે.પી.સાગઠીયા અને M ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI એચ.જી.કટારીયાનો કમિટીમાં સમાવેશ પણ કરાયો છે.