ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડીથી આગળ વધીને મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમી વિસ્તાર સુધી પહોંચ્યું છે તેમ જ આગામી 24 કલાક દરમિયાન ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે, જેને કારણે સર્જાનારી સાઇક્લોનિક સરક્યુલેશનની અસરથી 24 કલાકમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ અમદાવાદ સહિત રાજ્યમાં 40થી 60 કિલોમીટરની ગતિના પવનો અને વીજળીના કડાકા સાથે હળવોથી ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 28 સપ્ટેમ્બરે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી હળવો વરસાદ જ્યારે 29 સપ્ટેમ્બરે હળવોથી ભારે તેમ જ બુધવારે 30 સપ્ટેમ્બરના રોજ રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદમાં એસજી હાઇવે,ગોતા,વસ્ત્રાપુર,શિવરંજની,સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 147 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર, બનાસકાંઠા અને વડોદરામાં થયો છે. ક્વાંટ, ડિસા અને ડભોઈમાં વરસાદ થવાથી લોકોમાં રાહત થઈ છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 14 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા અને પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે. દસાડામાં 18 મિમી, ખેરાલુમાં 15 મિમી અને વડનગરમાં 10 મિમી વરસાદ થયો છે. રાજ્યમાં સિઝનનો કુલ 27 ઈંચ સાથે 83 ટકા વરસાદ થયો છે.રાજ્યમાં 28 સપ્ટેમ્બરે આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુર તેમજ 29 સપ્ટેમ્બરે 40થી 60 કિમીની ગતિના પવન સાથે દ.ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે 30 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરુચ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.કૃષિ વિભાગ દ્વારા જણાવાયું છે કે ચાલુ વર્ષે અંદાજિત 83.84 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 20 સપ્ટેમ્બર સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 85.83 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારની સામે 98.01% વાવેતર થયું છે. તાજેતરમાં રાહત કમિશનર અને અધિક સચિવ, મહેસૂલ વિભાગના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની ઓનલાઈન બેઠક સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતેથી યોજાઈ હતી, જેમાં આ માહિતી આપવામાં આવી હતી.
આગામી 24 કલાકમાં 60 કિ.મી. ગતિના પવન સાથે ભારે વરસાદની શક્યતા, અમદાવાદમાં ધીમી ધારે કેટલાક વિસ્તારમાં વરસાદ શરૂ
Date: