સુખનો પાસવર્ડ: પોતાને બદલે બીજાઓ માટે જીવે એવા માણસોનું જીવન સાર્થક ગણાય….

0
32
મહાન વૈજ્ઞાનિક જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરના જીવનની એક પ્રેરક વાત
મહાન વૈજ્ઞાનિક જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરના જીવનની એક પ્રેરક વાત

મહાન વૈજ્ઞાનિક જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરના જીવનની એક પ્રેરક વાત વાચકમિત્રો સાથે શેર કરવી છે.કાર્વર અમેરિકામાં આયોવા કોલેજ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં તમામ સુખસગવડો વચ્ચે ફરજ બજાવતા હતા, સંશોધન કરતા હતા. મોટાભાગના લોકોને કલ્પના પણ ન આવે એ રીતનું જીવન તેઓ વિતાવી રહ્યા હતા, પરંતુ એક દિવસ બુકર ટી.વોશિંગ્ટને તેમને એક પત્ર લખ્યો કે ‘અલબામામાં સામાજિક રીતે પછાત એવાં થોડાં બાળકોને કેળવણી આપતી એક સંસ્થા છે, ટસ્કેજી ઈન્સ્ટિટયૂટ. એ સંસ્થામાં તમારા જેવા મોટા ગજાના માણસની જરૂર છે. તમારા જેવી વ્યક્તિ માર્ગદર્શન આપે તો એ બાળકોનું જીવન બદલાઈ શકે.’કાર્વરે તરત જ એ વિનંતી સ્વીકારી લીધી.તેમના મિત્રોને એ વિશે ખબર પડી એટલે તેમણે કહ્યું કે ‘તમે આયોવા કોલેજ જેવી પ્રતિષ્ઠિત સંસ્થા  છોડીને અલબામા જેવા વિસ્તારમાં બાળકોને ભણાવવા માટે જતા રહેશો?’કાર્વરે કહ્યું, ‘હા. મેં ત્યાં જવાનો નિશ્ર્ચય કરી લીધો છે.તેમના મિત્રોએ તેમને રોકવાની કોશિશ કરી તેમને સમજાવ્યા કે ‘ભલા માણસ આવી બેવકૂફી ન કરતા. અહીં આવી અદ્યતન લેબોરેટરી છે, વિકાસની આટલી તકો છે એ છોડીને ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં જઈને તમે શું કરશો? ત્યાં તમને કઈ રીતે ફાવશે?’પરંતુ જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર મક્કમ રહ્યા. તેમણે કહ્યું, ‘હું ત્યાં જઈશ. અહીં મારી જરૂર છે એના કરતાં એ બાળકોને મારી વધારે જરૂર છે એટલે હું ત્યાં જઈશ.’અને તેઓ એ તમામ સુખસગવડો છોડીને આયોવાથી અલબામા જતા રહ્યા અને પછી એ નાનકડી સંસ્થા ટસ્કેજી ઈન્સ્ટિટયૂટમાં રહીને તેમણે ત્યાં સંશોધન ચાલુ રાખ્યું. તેમણે તેમના જીવન દરમિયાન અનેક ઉત્તમ સંશોધનો ટસ્કેજી ઈન્સ્ટિટ્યૂટમાં કર્યા.ક્યારેક કોઈ સામાન્ય વ્યક્તિ પણ સાધુ જેવું જીવન જીવી શકતી હોય છે. જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર જેવા માણસો સંત સમાન ગણાય. પોતાને બદલે બીજાઓ માટે જીવે એવા માણસોનું જીવન સાર્થક ગણાય. પોતાના માટે તો મોટા ભાગના લોકો જીવતા હોય છે, પણ જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર જેવા માણસો બહુ ઓછા હોય છે. આવા માણસોને રોલ મોડેલ ગણવા જોઈએ.