આધાર કાર્ડને લઈને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.હવે બેંક એકાઉન્ટ ખોલવાથી માંડીને નવુ સીમ કાર્ડ લેવા સુધી આધાર કાર્ડ આપવુ ફરજિયાત નહી હોય.આ બાબતે જે તે વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર રહેશે.
જો કોઈ બેન્ક કે કંપની ઓળખ તેમજ રહેઠાણના પૂરાવા તરીકે ફરજિયાત આધાર કાર્ડનો આગ્રહ રાખશે તો તેને એક કરોડ રુપિયા સુધીનો દંડ ભરવો પડશે. તેની સાથે સાથે આ પ્રકારનો દુરાગ્રહ રાખનાર કર્મચારીને 3 થી 10 વર્ષની જેલ પણ થઈ શકે છે.
સરકારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ અને ભારતીય ટેલિગ્રાફ એક્ટમાં સુધારો કરીને આ નિયમને સામેલ કર્યો છે.સોમવારે કેબિનેટ દ્વારા તેને મંજુરી અપાઈ હતી.સૂત્રોનુ કહેવુ છે કે સુપ્રીમ કોર્ટે આપેલા તાજેતરના ચુકાદાને ધ્યાનમાં લઈને નવો ફેરફાર કરાયો છે.કોર્ટે કહ્યુ હતુ કે યુનિક આઈડી માત્ર લોક કલ્યાણની સ્કીમો માટે જ ફરજિયાત કરી શકાય છે.
નવા કાયદા પ્રમાણે આધાર કાર્ડનો ડેટા લીક થવા બદલ જો કોઈ સંસ્થા જવાબદાર ઠરશે તો તેને 50 લાખનો દંડ અને 10 વર્ષની કેદની જોગવાઈ છે.જોકે આ કાયદાકીય જોગવાઈને સંસદની મંજૂરી મળવાની હજી બાકી છે.