ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીના ત્રીજા દિવસે બુધવારે ઉત્તરના પવનનું જોર ઘટતાં મુખ્ય 5 શહેરોમાં 2 ડિગ્રી સુધી ઠંડી ઘટી હતી. જોકે, પવનના કારણે ચમકારો યથાવત રહ્યો હતો. 7.2 ડિગ્રી સાથે ડીસા અને કેશોદ રાજ્યનાં સૌથી ઠંડા શહેર રહ્યાં હતાં. દરમિયાન 2 અને 3 જાન્યુઆરીના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બુધવારે ઉત્તર ગુજરાતમાં ઉત્તર દિશામાં ફૂંકાતા ઠંડા પવનનું જોર ઘટ્યું હતું, તેમ છતાં પારો 10 ડિગ્રીથી નીચે રહેતાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. હવે ઉત્તર દિશાના ઠંડા પવનની દિશા ગુરૂવારથી વારંવાર બદલાતી રહેશે. જેથી ઠંડી ઘટશે. આગામી 2-3 દિવસમાં ઠંડીનો પારો 11-12 ડિગ્રી વચ્ચે રહેશે.
નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં ઉત્તર ગુજરાતનું હવામાન પલટાશે
હવામાન વિભાગ મુજબ, નવા વર્ષમાં આરંભે જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહની શરૂઆતમાં જ ઉત્તર ગુજરાતને સ્પર્શતું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાની પ્રબળ શક્યતા છે. જેના કારણે 2જી જાન્યુઆરીએ વાદળાં છવાશે.