
ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના ગામડાઓમાં માનવભક્ષી વરુઓનો આતંક દરરોજ વધી રહ્યો છે. માનવ લોહી ચાખ્યા પછી વરુઓ પહેલા કરતા વધુ ખતરનાક બની ગયા છે. છેલ્લા 52 દિવસથી માનવભક્ષી વરુઓએ બહરાઈચના લગભગ 35 ગામમાં આતંક મચાવ્યો છે. તેમજ 10 લોકોનો જીવ લઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ચાર વરુ પકડાયા છે અને બાકીનાની શોધખોળ ચાલુ છે. હવે છેલ્લા એક મહિનાથી બહરાઈચના મહસી વિસ્તારમાં આતંક મચાવનારા વરુઓથી છૂટકારો મેળવવા માટે અંતિમ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના માટે મંગળવારે બે રેન્જર્સ સહિત 10 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. જો તેને પકડવા મુશ્કેલ બને તો તેમને મારી નાખવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. જો કે પહેલા વરુઓને શાંત પાડીને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવશે અને જો તેઓ શાંત નહીં થાય તો તેમને મારી નાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
વરુઓને મારી નાખવાના આદેશ :
આ વરુઓના આતંકથી 9 બાળકો સહીત 10 લોકોના મોત થયા છે. આથી યુપીના વન વિભાગના મંત્રી અરુણ કુમાર સક્સેનાએ કહ્યું હતું કે, ‘જો વરુઓને પકડવાનું શક્ય ન હોય તો તેમને મારી નાખવા જોઈએ. વરુઓને મારી નાખવું ખોટું નથી કારણ કે સલામત જીવન એ નાગરિકોનો અધિકાર છે.’ વનવિભાગના અધિકારીઓ પણ અનેક પ્રયાસો બાદ માત્ર ચાર વરુઓને જ પકડવામાં સફળ થયા છે જ્યારે બે વરુ હજુ પણ આ વિસ્તારમાં આતંક મચાવી રહ્યા છે અને આ માટે વહીવટીતંત્ર અને વન વિભાગ સતત પ્રયાસો કરી રહ્યા છે. લોકો પણ સતર્ક થઈ ગયા છે અને સુરક્ષિત રહેવા માટે નવા નવા ઉપાયો અપનાવી રહ્યા છે.