
Mass Murder in Begusarai: બિહારના બેગૂસરાય જિલ્લામાં એક જ પરિવારના ચાર સભ્યો પર અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો. જેમાંથી ત્રણ લોકોના મોત નીપજ્યા જ્યારે એકની હાલત નાજુક છે. ઘટના બછવારા વિસ્તારના રસીદપુર પંચાયતના વોર્ડ નંબર 12ની છે. મળતી જાણકારી અનુસાર અજાણ્યા લોકોએ શનિવારે સવારે પતિ, પત્ની, પુત્ર અને પુત્રી પર જીવલેણ હુમલો કર્યો.આ ઘટનામાં પતિ, પત્ની અને પુત્રીના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. જ્યારે ગંભીરરીતે ઈજાગ્રસ્ત 7 વર્ષીય પુત્રની હાલત ચિંતાજનક છે. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં 3 લોકોને મૃત જાહેર કરી દેવાયા. પોલીસે મૃતકોની ઓળખ નાગો મહતો, તેમના પત્ની સંજીતા દેવી અને પુત્રી સપના કુમારી તરીકે કરી છે. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત 7 વર્ષીય પુત્ર અંકુશ કુમારની સ્થિતિ ચિંતાજનક છે. હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. અત્યાર સુધી હત્યારાની જાણકારી મળી નથી.