લોકસભા ચૂંટણીમાં નાણાંનો દુરુપયોગ રોકવા માટે તામિલનાડુમાં ચૂંટણી પંચે કડક કાર્યવાહી શરૂ કરી સપાટો બોલાવ્યો છે. મંગળવારે સાંજે ડીએમકેના નેતા કનીમોઝીના નિવાસસ્થાને ચૂંટણી પંચે આવકવેરા વિભાગના અધિકારીઓ સાથે મળીને પાડેલા દરોડા બાદ મોડી રાતે ચૂંટણી પંચની ટીમે થેની જિલ્લાના અંડીપટ્ટીમાં આવેલા અમ્મામક્કલમુનેત્રકઝગમ (એએમએમકે)ના કાર્યાલય પર દરોડા પાડ્યા છે.
દરોડાની આ કાર્યવાહી દરમિયાન ટીમ અને એએમએમકેના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પોલીસની ટીમે કાર્યકરોના ટોળાંને વિખેરવા માટે હવામાં ફાયરિંગ કરવાની ફરજ પણ પડી હતી. પોલીસે ચાર કાર્યકરોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, ટી.ટી.વી. દિનાકરને માર્ચ, ૨૦૧૮માં તેમના નવા રાજકીય પક્ષ એએમએમકેની સ્થાપના કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, થેની લોકસભા ક્ષેત્રમાં કેટલાંક સ્થળોએ બેનામી નાણાંના મોટા વ્યવહારો થતા હોવાની ચોંકાવનારી બાતમી મળ્યા બાદ ચૂંટણી પંચના અધિકારીઓની એક ટીમે એક દુકાન પર અને એએમએમકેના કાર્યાલય પર દરોડા પાડ્યા હતા. આ દુકાન દિનાકરનના એક ચુસ્ત સમર્થકની હોવાનું કહેવાય છે.
મંગળવારે મોડી રાતે શરૂ થયેલી દરોડાની કાર્યવાહી આજે વહેલી સવારે ૫.૩૦ વાગ્યા સુધી ચાલી હતી. આ દરમિયાન ટીમને ૧.૪૦ કરોડ જેટલી રોકડ મળી આવી છે. આ કરોડો રૂપિયા અલગ અલગ પેકેટમાં રાખવામાં આવ્યાં હતાં. ચોંકાવનારી વાત એ છે કે, આ પેકેટ પર વોર્ડ નંબર પણ લખીને રાખવામાં આવ્યા હતા અને દરેક મતદારને ૩૦૦ રૂપિયા આપવાનો હિસાબ પણ લખવામાં આવ્યો હતો. ચૂંટણી પંચના અધિકારીઓનો દાવો છે કે, હજુ પૈસા ગણવાની પ્રક્રિયા ચાલુ છે અને એક વખત ગણતરી થઈ જાય ત્યારબાદ જ રોકડ રકમનો અંતિમ આંકડો જાહેર કરવામાં આવશે.
બાતમીદારની બાતમી મળ્યા બાદ જ્યારે ચૂંટણી પંચ અને આવકવેરા વિભાગની ટીમે પક્ષના કાર્યાલય પર દરોડાની કાર્યવાહી શરૂ કરી ત્યારે કાર્યકરોએ ભારે વિરોધ કર્યો હતો. સ્થિતિને કાબૂમાં કરવા માટે પોલીસે હવામાં ચાર રાઉન્ડ ફાયર કરવા પડ્યા હતા.
આ વખતે એએમએમકે પેરિયાકુલમ બેઠકથી લોકસભા ચૂંટણી લડવા ઉપરાંત અંડીપટ્ટી વિધાનસભાની પેટા ચૂંટણી પણ લડી રહી છે. લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે આવતી કાલે ૧૮ એપ્રિલે મતદાન થવાનું છે. અંડીપટ્ટી વિધાનસભા બેઠક પરથી એએમએમકેના કે.આર. જયાકુમાર ઉમેદવાર છે.
આ અગાઉ ગઈકાલે જ ડીએમકેના ઉમેદવાર કનીમોઝીના નિવાસ સ્થાને પણ આવક વેરા વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. તૂતીકરનના કુરિંચી નગર વિસ્તારમાં આવેલા કનીમોઝીના ઘરેથી અધિકારીઓને રોકડ રકમ કે કોઈ વાંધાજનક દસ્તાવેજો મળ્યા ન હતા.