અમદાવાદ, તા.૧૯
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસ સંગઠનનું જમ્બો માળખુ રચ્યા બાદ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અત્યંત ભૂંડી રીતે હારી ગઇ. પ્રદેશ પ્રમુખ ચૂંટણી પ્રચારમાં ફરતા હતા ત્યારે સંનિષ્ઠ કોંગી આગેવાનોના બદલે જમીનના માફિયાઓને આંગળીએ રાખતાં હોવાથી તે સમયે કોંગ્રેસના વર્તુળમાં આ બાબતની આકરી ટીકા થતી હતી. તાજેતરમાં જ કોંગ્રેસની બેઠકમાં પ્રદેશ ડેલીગેટ રઘુ દેસાઇ અને સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઇ વચ્ચે પ્રમુખ, માજી પ્રમુખો અને અન્ય નેતાઓની હાજરીમાં છૂટ્ટા હાથની મારામારી થઇ હતી. આ પૂર્વે સાણંદના વચેટિયા તરીકે જાણીતા ગૌતમ રાવળે કોંગ્રેસને સમર્પિત ૮૪ વર્ષના બાલુભાઇ પટેલને લાફા ઝીંકી દઇને મારી નાંખવાની ધમકી આપતાં સમગ્ર મામલો સાણંદના પોલીસમથક સુધી પહોંચ્યો હતો અને આ મામલે એફઆઇઆર દાખલ થઇ છે. હજુ થોડા સમય પહેલાં જ જૂનાગઢ કોર્પોરેશનમાં કોંગ્રેસ છેક હાંસિયામાં ધકેલાઇ ગઇ છે અને જા આ જ પ્રકારે ગેરશિસ્ત, વ્હાલાદવલા અને પક્ષપાતની નીતિ કોંગ્રેસમાં ચાલુ રહેશે અને આવા તત્વોને પક્ષમાંથી પડતા નહી મૂકાયા તો, આગામી ૨૦૨૦ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ કોંગ્રેસને જારદાર પછડાટ ખાવાનો વારો આવશે તે નક્કી છે.
આવતીકાલે સ્વ.શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિતે કોંગ્રેસના કાર્યક્રમો અને ચર્ચા દરમ્યાન કોંગ્રેસની શિસ્ત અને પક્ષની ઇમેજનો મુદ્દો ફરી ચર્ચાય તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, સાણંદની જાણીતી જડીબા શાળાના ટ્રસ્ટને પડાવી લેવાના કાવાદાવા રચી રહેલા ગૌતમ રાવળને કાયદાકીય પછડાટ મળતાં તેઓ ગિન્નાયા હતા અને વર્ષોથી સેવા આપી રહેલા બાલુકાકાને લાફા ઝીંકી દીધા હતા. કોંગ્રેસમાં શિસ્ત નામની કોઇ ચીજ બચી જ ના હોવાથી આ શરમજનક નિંદનીય ઘટના બાદ, પોતે જાણતા હોવાછતાં જમીન દલાલોના દબાણ તળે અમિત ચાવડાએ ગૌતમ રાવળને સજા કરવાના બદલેપ્રદેશમંત્રીનું પદ તાસક પર ચડાવીને ભેટ ધર્યુ હતુ. હવે પ્રદેશ માળખુ વખેરી નાંખવાની વાત છે ત્યારે ગૌતમ રાવળને પડતા મૂકી તેમના સ્થાને કોઇ સંનિષ્ઠ અગ્રણીને સ્થાન આપવા માંગણી ઉઠવા પામી છે. આ અંગે પ્રભારી રાજીવ સાતવ સમક્ષ રજૂઆત થનાર છે. માળખુ ના વિખેરાય તો પણ આવા પગલાં પક્ષની ઇમેજ બચાવવા પણ ઝડપથી લેવા પડે તેવો મત ઉભો થયો છે. વર્તમાન માળખામાં ગોઠવાઇ ગયેલા રંગીન સ્વભાવના લફડાબાજ માફિયાગીરી કરી ગરીબ ખેડૂતોની જમીનો પડાવી લેનારા ચૂંટણીમાં ભાજપ સાથે ભળી જઇને વચેટિયાગીરી કરી કમાણી કરનારા કોંગ્રેસના પદને મંચ બનાવી પોલીસ સ્ટેશનમાં બેસી રહી તોડ કરનારના ચલતાપૂર્જા કાર્યકરોને કોરાણે મૂકી સંનિષ્ઠ અને સમર્પિત કાર્યકરોને સંગઠનમાં સ્થાન અપાશે તો જ કોંગ્રેસ ફરી બેઠી થઇ શકશે. બાકી તો જૂનાગઢ કોર્પોરેશનમાં ત્રીજા નંબરે ધકેલાઇ તેનું જ પુનરાવર્તન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ૨૦૨૦ની અતિમહત્વની ગણાતી ચૂંટણીમાં થશે. પ્રદેશ નેતાઓની પક્ષપાત, લાગવગશાહી અને વ્હાલાદવલાની નીતિને લઇ કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરો અને આગેવાનોમાં પણ ભારે નારાજગીની લાગણી ફેલાઇ ગઇ છે અને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ૨૦૨૦ની પ્રતિષ્ઠાભરી ચૂંટણીને લઇ હવે પક્ષની શાખ બચાવવા કોંગ્રેસ નેતાગીરી હવે નૈતિકતાના ધોરણે પાછલી ભૂલો સુધારી લે તેવી માંગણી પણ બહુ પ્રબળ બની છે.