- રસીની કોઈ આડઅસર નથી, પ્રજાએ સ્વૈચ્છિક રીતે આગળ આવવું જોઈએ : ડો. એમ. એમ.પ્રભાકર
અમદાવાદ : આજ રોજ રાષ્ટ્ર વ્યાપી કોવિડ-૧૯ રસીકરણ અભિયાનનો શુભારંભ દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યો. અમદાવાદ શહેરની વિસત-કોબા રોડ પર આવેલ એસ.એમ.એસ. હોસ્પિટલ, ચાંદખેડા સેન્ટર ખાતે ગુજરાતમાં કોવિડ-૧૯ રસીકરણનો શુભારંભ શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા, ગુજરાત)નાં વરદહસ્તે કરાયો. એસ.એમ.એસ. હોસ્પિટલ, ચાંદખેડા સેન્ટર ખાતે આ રસીકરણનો પ્રથમ ડોઝ ડૉ. બીપીનભાઈ પટેલને આપી શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ડૉ. એ. કે. લેઉવા (ડીન, ડૉ. એમ.કે.શાહ મેડિકલ કોલેજ), શ્રી પૂર્વેશભાઈ શાહ (વાઇસ ચેરમેન, SMS હોસ્પિટલ), મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. એમ. એમ. પ્રભાકર, ડૉ. મહેન્દ્રભાઈ વેગડ, ડૉ. મૈત્રીબેન ગજ્જર, ડૉ. ચૈત્રીબેન શાહ તેમજ કોરોના કાળ દરમિયાન જે લોકો એ ખડે-પગે ઉભા રહી ફરજ બજાવી છે તેવા કોરોના વોરીયર્સ, હોસ્પિટલના તમામ તબીબી સ્ટાફ અને કર્મચારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ એમ.એમ પ્રભાકરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું કોવીડ વેક્સિનના રાષ્ટ્રવ્યાપી રસીકરણ ના પ્રારંભનું પગલું ઘણું જ સરાહનીય અને વિશાળ જન હિતમાં છે. ત્યારે ગુજરાત સરકારે પણ આ દિશામાં બહુ મહત્વની અને નોંધનીય કામગીરી હાથ ધરી છે. લોકોમા ખોટી ભ્રામક માન્યતા અથવા તો ભ્રમણાઓ ફેલાઈ રહી છે જે વ્યાજબી નથી. વાસ્તવમાં આ કોઈ વેબસાઇટની કોઈ આડઅસર નહીં હોવાથી તેને લેવા માટે લોકોએ સ્વૈચ્છિક રીતે આગળ આવવું જોઈએ અને આ બાબતે સામાજિક જાગૃતિ કેળવી કોવીડ વેક્સિન આ અભિયાનને સફળ બનાવી કોરોના વૈશ્વિક મહામારી ને હાથ આપવામાં જનતાએ પણ તેમનું યોગદાન અને સાથ સહકાર પૂરા પાડવા જોઈએ. એસ.એમ.એસ હોસ્પિટલ માં આજે પ્રથમ દિવસે 36 થી વધુ દર્દીઓને કોવિડ વેક્સિન આપી ઈતિહાસીક પહેલ કરવામાં આવી છે જેનો અમને આનંદ અને ગર્વ છે.
આજે કોરોના વેક્સીનનાં શુભારંભને લઈ લોકોમાં ખાસ ઉત્સાહ જણાતો હતો તો ડોકટરો, નર્સ સહિતના મેડિકલ સ્ટાફ પણ ભારે ઉત્સાહિત દેખાતા હતા.