‘કોંગ્રેસના વિરોધથી જન્મેલા પક્ષો એક થયા’, આ લડાઈ સલ્તનતને સાચવનારા વિરુદ્ધ બંધારણમાં આસ્થા ધરાવતા લોકો વચ્ચે: વડાપ્રધાન
નવી દિલ્હી:
દિલ્હીના રામલીલી મેદાનમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનની બીજા અને અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર તીખા પ્રહારો કર્યા છે. વડાપ્રધાને જણાવ્યું કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કોંગ્રેસે 12 વરસ સુધી તેમને હેરાન કર્યા, પરંતુ તેમને કાયદા તેમજ સંસ્થાઓ પર વિશ્વાસ હતો. મોદીએ કોંગ્રેસ પર દેશની બંધારણીય સંસ્થાઓના અપમાનનો આરોપ લગાવ્યો. ભાજપ કાર્યકરોને ચૂંટણી માટે તનતોડ મહેનત કરવાનું આહ્વાન કરતા પીએમે જણાવ્યું કે આ લડાઈ સલ્તનત અને બંધારણમાં આસ્થા ધરાવતા લોકો વચ્ચે છે. એક તરફ એવા લોકો છે તે કોઈપણ ભોગે સલ્તનતને બચાવવામાં પડ્યા છે અને એક તરફ આપણે છીએ જે બંધારણ માટે લડી રહ્યા છે. પીએમ મોદીએ મહાગઠબંધનના મુદ્દે પણ વિપક્ષ પર વાર કર્યો હતો. મોદીએ જણાવ્યું કે કોંગ્રેસનો તેમજ પરસ્પર વિરોધ કરનાર વિપક્ષ હવે એક વ્યક્તિને હરાવવા માટે સહયોગ કરી રહ્યા છે. મિશન 2019ને ધ્યાનમાં રાખીને દિલ્હીના રામલીલા મેદાનમાં થઈ રહેલીબીજેપીની બે દિવસની રાષ્ટ્રીય પરિષદની બેઠકનો આજે બીજો દિવસ છે. બેઠકમાં ભાગ લેવા માટે આજે વડાપ્રધાન મોદી પણ રામલીલા મેદાન પહોંચ્યા હતા. રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં 10 હજાર કાર્યકર્તા, સાંસદો અને ધારાસભ્યો સામેલ થયા છે. અહીં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષ ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતા.
‘કોંગ્રેસ વિકાસના કામોમાં રોડા નાંખવાનું કામ કરે છે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કોંગ્રેસની માનસિકતા વિકાસના દરેક કામોમાં રોડા નાંખવાનું છે. તેમણે જણાવ્યું કે, ‘મેક ઈન ઈન્ડિયા, જીએસટી, સ્વચ્છ ભારત આ બધાનો કોંગ્રેસ વિરોધ કરે છે. કોંગ્રેસ પોતાની બેઠકોમાં જીએસટીનું સમર્થન કરે છે પરંતુ અડધી રાત્રે બોલાવાયેલા વિશેષ સંસદ સત્રનો બહિષ્કાર કરે છે.’
‘પોતાને કાયદા અને સંસ્થાથી ઉપર સમજે છે કોંગ્રેસ’
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર હુમલો કરતા જણાવ્યું કે તેઓ પોતાને દેશની દરેક સંસ્થાથી ઉપર સમજે છે. પીએણે જણાવ્યું કે, ‘તેમને કાયદો અને સંસ્થાઓની કંઈ પડી નથી. તેઓ પોતાને હંમેશા દેશની સર્વોચ્ચ સંસ્થાઓથી ઉપર માને છે. તેઓ કોઈને નથી ગાંઠતા ભલે તે ચૂંટણી પંચ હોય, આરબીઆઈ હોય, તપાસ એજન્સી કે સુપ્રીમ કોર્ટ.’
મોદીએ વધુમાં ઉમેર્યું કે, કોંગ્રેસ તેના વકીલો દ્વારા ન્યાય પ્રક્રિયામાં અડચણો ઊભી કરવા પ્રયાસ કરી રહી છે. ચીફ જસ્ટિસને હટાવવા માટે મહાભીયોગ લાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ અયોધ્યા મુદ્દે સમાધાન નથી ઈચ્છતી.