ગોંડલના કુંભારવાડા ખાતે આવેલી જૈન સ્કૂલમાં ગતરોજ એલકેજીના વિદ્યાર્થી સાથે દુષ્કર્મ જેવી ઘટના બનતા અને પોલીસ ફરિયાદ નોંધાતા શહેરભરમાં સનસનાટી મચી જવા પામી હતી. ઘટનાને પગલે સફાળી જાગેલી પોલીસ દ્વારા 24થી વધારે લોકોના આજે નિવેદનો લેવામાં આવ્યા છે. પોલીસને પ્રથમ દ્રષ્ટિએ બાળક સાથે કંઈક અજુગતું બન્યું હોવાની શંકા તો છે જ પરંતુ નિવેદનમાં વિરોધાભાસ વધુ પડતો જણાય કોઈ નિર્દોષ ન દંડાય તે માટે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
માસૂમ બાળક અને તેના પરિવારજનોના નિવેદનોમાં પોલીસને વિરોધાભાસ જણાયો
પ્રાપ્ત વિગતો મુજબ જૈન સંસ્કાર સ્કૂલના એલકેજી ના વિદ્યાર્થી દ્વારા ગત રોજ શાળાના ગણિતના શિક્ષક સંદીપ દાણીધારીયા વિરુદ્ધ ઊંગલી નિર્દેશ કરાતા અને પોલીસ દ્વારા ગુનો નોંધાતા શહેરમાં સનસનાટી મચી જવા પામી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ ગણિતના શિક્ષકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી અને માસુમ બાળકને મેડિકલ ચેકઅપ માટે પ્રથમ ગોંડલ તેમજ વધુ ચેકઅપ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. માસૂમ બાળક અને તેના પરિવારજનોના નિવેદનોમાં પોલીસને વિરોધાભાસ જણાતો હોય આજે તપાસનીશ અધિકારી પી.એસ.આઇ. વસાવા, રાઇટર પ્રભાતસિંહ સહિતનાઓ સ્કૂલે દોડી જઈ બે ડઝનથી વધુ લોકોના નિવેદનો લઇ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
ઘટના સ્કૂલમાં ન બની હોવાનું સીસીટીવીમાં ખુલ્યું
પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ નિવેદનમાં એવું બહાર આવ્યું હતું કે માસૂમ બાળકે પહેલા એવું જણાવ્યું હતું કે તેની સાથે ઘટના ક્લાસરૂમમાં બની છે. પરંતુ ક્લાસરૂમમાં તો સીસીટીવી કેમેરા ચાલુ છે. બાદમાં અન્ય ક્લાસરૂમમાં આવ્યા હતા ત્યાં પણ આવી કોઇ ઘટના બની નથી અને અંતે છેલ્લે નોન યુઝ પડેલી બસ બતાવવામાં આવી હતી. જે ઘણા સમયથી બંધ હોય તેમાં પણ કોઈ પગલાના નિશાન જોવા મળ્યા નથી. માસૂમ બાળક દ્વારા તેના હાથ-પગ બાંધી પંખા સાથે ટીંગાળી દેવાનું પણ નિવેદન દેવામાં આવ્યું છે. આવું કશું જ પોલીસને સીસીટીવી કેમેરામાં જોવા મળ્યું નથી અને બાળકએ છેલ્લે એવું પણ કહ્યું કે તેને ખભા પર ઉંચકી બસમાં લઇ જવામાં આવ્યો છે તો તેવું પણ કોઈની નજરમાં આવ્યું નથી.
પોલીસ માટે સમગ્ર ઘટના ચેલેન્જરૂપ બની
પોલીસને સ્કૂલના આચાર્ય, ટ્રસ્ટીગણ, શિક્ષકગણ સહિતનાઓએ જણાવ્યુ હતું કે પરીક્ષાનો સમય ચાલતો હોય 10:15 દરેક વિદ્યાર્થી ફ્રી થઈ ગયેલા હતા. 10:30 કલાકે દરેક વિદ્યાર્થીને પોત પોતાના વાહનમાં બેસાડી દેવામાં આવ્યા છે તો આ ઘટના સ્કૂલમાં બની હોય તેવું માન્યમાં આવતું નથી. અમો કોઈ ગુનેગારની ફેવરમાં નથી, ગુન્હેગારને દંડ થવો જ જોઇએ પરંતુ કોઈ નિર્દોષ ન દંડાય તે અવશ્ય જોવું જોઈએ. દરમિયાન બાળકના તબીબી પરીક્ષણમાં તેની સાથે દુષ્કર્મ આચાર્યાનું બહાર આવ્યું હોય પોલીસ માટે સમગ્ર ઘટના ચેલેન્જરૂપ બનવા પામી છે.
ગોંડલ જૈન સંસ્કાર સ્કૂલના શિક્ષકે LKGના વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું, પોલીસે કરી ધરપકડS