સિટી પોલીસ મથકમાં ગતરાત્રીના જિલ્લા પોલીસવડાએ નાઈટ પેટ્રોલીંગ દરમિયાન મહારાજા ભગવતસિંહજીની દૈદીપ્યમાન તસવીર વિશે અણ છાજતા શબ્દોનો પ્રયોગ કરી તસવીર હટાવી લેવાનો આદેશ કરતા સ્થાનિક પોલીસે તસવીર હટાવી લેવાતામાં આવી હતી. આ બનાવની જાણ શહેરીજનોને થતા રોષે ભરાયા હતા. MLA ગીતાબા જાડેજાની આગેવાની હેઠળ વિશાળ રેલી નીકળી અને 24 કલાકમાં મહારાજાની તસ્વીર મૂળ જગ્યાએ લગાડવા તથા ગુસ્સાખી બદલ માફી માગવા અન્યથા ગોંડલ બંધ સહિત આંદોલનની ચીમકી અપાઇ છે.
MLA ગીતાબા જાડેજાની આગેવાની હેઠળ રેલી કાઢી
ગોંડલના પ્રજાવત્સલ રાજવી ભગવતસિંહજીનો એક અનેરો ઇતિહાસ છે. પાઠ્યપુસ્તકોમાં પણ તેમનો ઉલ્લેખ કરાઇ રહ્યો છે. કન્યા કેળવણી અંગે ગુજરાતના મુખ્યમંત્રી હોય કે, દેશના વડાપ્રધાન હોય તેઓ મહારાજા ભગવતસિંહનો ઉલ્લેખ કરી રહ્યા છે, તેમજ રાજ્ય વહિવટમાં પણ મહારાજાના શાસનકાળનું દ્રષ્ટાંત ગૌરવભેર આપવામાં આવતું હોય બીજી બાજુ ગત રાતે ગોંડલમાં નાઇટ કોમ્બીંગમાં આવેલા જિલ્લા પોલીસ વડા બલરામ મીણા એ સિટી પોલીસમાં રહેલ મહારાજાની તસવીર હટાવી લેવા આદેશ કરતા શહેર તાલુકા રાજપૂત સમાજ, ક્ષત્રિય યુવા સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આર એસ એસ, ઉપરાંત શહેરના વિવિધ જ્ઞાતિ મંડળ, સામાજીક મંડળો તેમજ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોની મીટિંગ નગરપાલિકા કચેરી ખાતે મળી હતી અને બાદમાં MLA ગીતાબા જાડેજાની આગેવાની હેઠળ રેલી કાઢી પ્રાંત અધિકારી રાજેન્દ્રસિંહ રાયજાદા ને આવેદન પત્ર આપી 24 કલાકમાં જો બલરામ મીણા દ્વારા મહારાજાની તસવીર મૂળસ્થાને લગાવી ગોંડલની જનતા અને રાજવી પરિવારની માફી નહીં મગાઇ તો ગોંડલ બંધ સહિત આંદોલની શરૂ કરાશે તેવી ચીમકી ઉચ્ચાવામાં આવી હતી.
રેલીમાં ગોંડલના યુવરાજ હિમાંશુસિંહજી ઉપરાંત ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, વિવિધ સંગઠનોના આગેવાનો, ભાજપ તથા કોંગ્રેસના આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા અને આક્રોશ જતાવ્યો હતો. બનાવની જાણ શહેરમાં થતા લોકો પણ રોષે ભરાયા છે. ઈતિહાસમાં અમર બની ચૂકેલા ગોંડલના રાજવી સર ભગવતસિંહજીને લોકો અનહદ ચાહતા હોય, શહેરમાં જિલ્લા પોલીસવડાના વર્તન સામે આક્રોશ ફેલાતા ગોંડલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાય છે.