દહિયાએ પોતાની ફરિયાદમાં યુવતી ખોટી રીતે ફસાવતી હોવાનો અને બ્લેકમેઇલિંગ કરતી હોવાનો કરેલો આરોપ
અમદાવાદ, તા.૨૪
આઇએએસ અધિકારી ગૌરવ દહિયાના દિલ્હીની યુવતી સાથેના સંબંધોને લઇ સામે આવેલા ખુલાસા બાદ આજે આઇએએસ અધિકારી ગૌરવ દહિયાએ ગાંધીનગરના સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં દિલ્હીની યુવતી લીનુ સિંગ વિરૂધ્ધ આખરે અરજી કરી ફરિયાદ નોંધાવી હતી.
દહિયાના દિલ્હીની યુવતી સાથેના સંબંધોના કથિત પ્રકરણને લઇ ખાસ કરીને સરકારી વર્તુળમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આઇએએસ અધિકારી ગૌરવ દહિયા દ્વારા પોલીસ સમક્ષ કરાયેલી ફરિયાદ-અરજીમાં યુવતી તેમને ખોટી રીતે ફસાવતી હોવાનો અને બ્લેકમેઇલિંગ કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ યુવતી ફેસબુક અને ટ્વીટરમાં જે ફોટા ટ્વીટ કર્યા છે તેને મોર્ફ કરેલા હોવાનું પણ અરજીમાં જણાવ્યું છે. એક વર્ષથી આ યુવતી હેરાનગતિ કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દરમ્યાન આ સમગ્ર મામલે ગાંધીનગર ડીવાયએસપી એમ.કે રાણાએ જણાવ્યું હતું કે, આઇએએસ અધિકારી ગૌરવ દહિયા તરફથી અરજી આપવામાં આવી છે. જેમાં યુવતી ઓફિસમાં ફોન કરી ખોટી રીતે હેરાનગતિ કરે છે. આ યુવતીએ તેમની પત્ની સાથે સંબંધો ખરાબ કરાવી છૂટાછેડા કરાવ્યા હોવાના અને બ્લેકમેઇલિંગ કરી મકાન પણ લઈ લીધું હોવા સહિતના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. પોલીસ આ અરજી અંગે હાલ તપાસ ચલાવી રહી છે. આગામી દિવસોમાં કેસમાં સત્ય હકીકતો સામે લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.