નવી દિલ્હી: ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણસિંહની જન્મતિથિને ‘કિસાન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસની ઉજવણી એક ટંક ઉપવાસ કરીને કરવાની હાકલ ખેડૂતોએ બુધવારે કરી હતી.ખેડૂતલક્ષી નીતિઓ માટે લોકપ્રિય નેતા ચૌધરીની સમાધી ‘કિસાન ઘાટ’ પર વહેલી સવારથી અનેક ખેડૂતોએ આવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હોવાની માહિતી એક પોલીસ અધિકારીએ આપી હતી.અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ અહીં રોકાતા નથી, પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તુરંત જતા રહે છે.કિસાન દિવસની ઉજવણીના પ્રસંગે ગાઝીપુર બૉર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ હવન કર્યો હતો. ખેડૂતોનાનેતા કે. એસ. સંધુુએ જણાવ્યું હતું કે મંગળવારે પંજાબના ૩૨ ખેડૂત યુનિયનોએ હવે શું કરવું એ વિશે ચર્ચા કરી હતી.ટૂંક સમયમાં દેશભરના ૪૦ ખેડૂત યુનિયનો સાથે ચર્ચા કરીને સરકારની દરખાસ્ત પર વિચાર કરવામાં આવશે.કેન્દ્રના કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગરવાલે રવિવારે આંદોલન કરી રહેલા ખેડૂત યુનિયનોને પત્ર લખીને સરકારે અગાઉ લખેલા પત્રમાં કરેલા પ્રસ્તાવ મામલે એમનો વાંધો જણાવવાની અને ચર્ચા માટે તારીખ આપવાની વાત કહી હતી.કૃષિ પ્રધાન તોમરે પણ મંગળવારે જણાવ્યું હતું કે આશા છે કે ખેડૂતો અંદરોઅંદર ચર્ચા કરીને સરકાર સાથે વાતચીત કરવા ટૂંક સમયમાં આગળ આવશે.દરમિયાન દિલ્હીની સરહદો પર ખેડૂતોના આંદોલનને લીધે ટ્રાફિક જામ રહ્યો હતો અને કોર્ટની ટકોર છતાં ખેડૂતોને કારણે સામાન્ય જનતાને હેરાન થવું પડે છે.ખેડૂતોએ હવે ૨૩-૨૬ ડિસેમ્બર સુધી શહીદી દિવસ ઉજવવાની જાહેરાત કરી છે.