તૈયારી રૂપે ભુપેન્દ્ર યાદવ મહારાષ્ટ્રના, નરેન્દ્ર સિંહ તોમર હરિયાણાના અને ઓમપ્રકાશ માથુર ઝારખંડના પ્રભારી
નવી દિલ્હી, તા. ૧૦
થોડાક મહિના બાદ યોનજારી વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. શુક્રવારે ભાજપ તરફથી ચૂંટણી માટે જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં પાટનગર દિલ્હી, હરિયાણા અને ઝારખંડ માટે ચૂંટણી પ્રભારી અને સહ પ્રભારીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. દિલ્હીમાં કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકર, હરિયાણામાં નરેન્દ્રસિંહ તોમર, મહારાષ્ટ્રમાં ભુપેન્દ્ર યાદવ અને ઝારખંડમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ પ્રકાશ માથુરને ચૂંટણી પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરને દિલ્હીના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ સિવાય હરદીપસિંહ પુરી અને નિત્યાનંદ રાયને ચૂંટણી સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં આ વર્ષના અંત સુધી અથવા તો આગામી વર્ષની શરૂઆતમાં ચૂંટણી યોજાવવાની સંભાવના છે. હાલ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે જ્યારે ભાજપના માત્ર ત્રણ જ ધારાસભ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્ર યાદવને ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ સિવાય ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય અને કર્ણાટકના પૂર્વ ધારાસભ્ય લક્ષ્મણ સાવદીને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. રાજ્યમાં ઓક્ટોબરના અંત સુધી અથવા તો નવેમ્બરની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી થઇ શકે છે. હાલ ભાજપ અને શિવસેના ગઠબંધનની સરકાર છે. ભારતીય જનતા પાર્ટીએ હરિયાણામાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરને ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે જ્યારે ઉત્તરપ્રદેશના મંત્રી ભુપેન્દ્રસિંહને ચૂંટણી સહપ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપે પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમપ્રકાશ માથુરને ઝારખંડમાં ચૂંટણી પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.