મુંબઈ: જેલમાં બંધ ગેન્ગસ્ટરની ચિઠ્ઠી તેના સાગરીત સુધી પહોંચાડવા બદલ મહારાષ્ટ્ર એટીએસે (એન્ટિ ટેરરિઝમ સ્કવોડ) આર્થર રોડ જેલમાં ફરજ બજાવતા પોલીસકર્મીની તાજેતરમાં ધરપકડ કરી હતી. અંદાજે ૧૫૫ કિલો ડ્રગ્સની જપ્તીના કેસના મહત્ત્વના સાક્ષીદારને ધમકાવવાની સૂચના ચિઠ્ઠી દ્વારા આપવામાં આવી હતી.એટીએસે ધરપકડ કરેલા પોલીસકર્મીની ઓળખ અર્જુન ધોડકે તરીકે થઇ હોઇ સ્થાનિક અદાલતે તેને ૨૮ ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. ડ્રગ્સ જપ્તીના કેસના સાક્ષીદારને ધમકી આપવાના કેસમાં એટીએસે અગાઉ ગેન્ગસ્ટર હરીશ માંડવીકર, ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી સાજિદ ઇલેક્ટ્રિકવાલા, સુજિત પડવળકર અને સચિન કોળેકરની ધરપકડ કરી હતી. હરીશ માંડવીકરને મટકાકિંગ સુરેશ ભગતની હત્યાના કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવ્યા બાદ તેને આર્થર રોડ જેલમાં રખાયો હતો.જૂન, ૨૦૧૫માં એટીએસે ૧૫૫ કિલો મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ પકડી પાડ્યું હતું. આ કેસમાં મુખ્ય આરોપી સાજિદ ઇલેક્ટ્રિકવાલા સહિત સાત જણની ધરપકડ કરાઇ હતી. ૨૦૦૫થી આર્થર રોડ જેલમાં બંધ સાજિદની મિત્રતા જેલમાં માંડવીકર સાથે થઇ હતી અને તેમણે ડ્રગ્સ જપ્તીના કેસના સાક્ષીદારને ધમકાવવાની યોજના ઘડી હતી. માંડવીકરે મધ્યસ્થી મારફત ચિઠ્ઠી તેના સાગરીત સચિન સુધી પહોંચાડી હતી, જેમાં સાક્ષીદારને ધમકાવવા સંબંધી સૂચના આપવામાં આવી હતી. જેલમાંથી આ ચિઠ્ઠી પોલીસકર્મીએ બહાર લઇ જઇને માંડવીકરના સાગરીત સુધી પહોંચાડી હોવાનું તપાસમાં જણાતાં તેની ધરપકડ કરાઇ હતી.