ટીકટોક મામલે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
નવી દિલ્હી: લોકપ્રિય વિડીયો મેકિંગ એપ્લીકેશન ટીકટોક પર પ્રતિબંધ મુકવાના મદ્રાસ હાઈકોર્ટનાં નિર્ણય અને આપેલ સુચનાઓનું પાલન કરતા ગુગલે આ એપ બ્લોક કરી દીધી છે. હવે વપરાશકર્તાઓ પ્લે સ્ટોરમાંથી આ એપને ડાઉનલોડ કરી શકશે નહીં. ભારતના ઈલેકટ્રોનિકસ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે ગુગલ અને એપલને પોતાના એપ સ્ટોરમાંથી ચીનની વિડીયો શેરિંગ એપ્લીકેશન ટીકટોક દુર કરવાનું કહ્યું હતું.
મદ્રાસ હાઈકોર્ટના મદુરાઈ પીઠે ૩ એપ્રીલે કેન્દ્રને મોબાઈલ એપ્લિકેશન ટીકટોક પર પ્રતિબંધ મુકવાની સુચના આપી હતી. ગુગલે હાઈકોર્ટના નિર્ણયને માન આપી પ્લે સ્ટોરમાંથી ટીકટોક એપ્લીકેશન બેન કરી છે. જોકે ચીનની વિડીયો એપ્લીકેશન ટીકટોક પર પ્રતિબંધ મુકવા મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સોમવારે પ્રતિબંધ મુકવાનો ઈન્કાર કર્યો હતો. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળની બેન્ચ ૨૨ એપ્રીલે કેસ સુનાવણી કરશે.
ઉલ્લેખનીય છે કે, ભારતના ઈલેકટ્રોનિકસ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા ગુગલ અને એપલને પોતાના એપ સ્ટોરથી ટીકટોકને હટાવવાનું કહ્યું છે. જેથી આજે ગુગલે અને એપલ બન્નેએ તેનો અમલ કર્યો છે. જોકે જેમણે ટીકટોક પહેલાથી જ ડાઉનલોડ કરી લીધું છે તેમના પર આ આદેશની અસર નહીં થાય.