(જી.એન.એસ.)વડોદરા,તા.૨૯
પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા ટ્રેનોમાં ગેરકાયદે ખાદ્ય પદાર્થો સહિતની ચીજાનું વેચાણ કરતા ૧૦૮ ફેરિયાઓને ઝડપી પાડી તેઓની પાસેથી રોકડ દંડ વસુલ કર્યો હતો.
વડોદરા રેલવે તંત્ર દ્વારા તાજેતરમાં ૩થી ૫ એપ્રિલ અને ૧૬થી ૧૯ એપ્રિલના સમયગાળામાં ટ્રેનોમાં ગેરકાયદે ફરતા ફેરિયાઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધર્યુ હતું. અભિયાન હેઠળ ૨૨ ટિકિટ ચેકિંગ સ્ટાફ અને આરપીએફની ૨૦ સભ્યોની ટુકડી અલગ અલગ સમયે કુલ ૪૫ ટ્રેનોમાં તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન કુલ ૧૦૮ ફેરિયાઓ ગેરકાયદે ચીજવસ્તુઓ અને મુસાફરોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તેવા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા રંગેહાથ ઝડપાયા હતા. રેલવે તંત્રએ આ તમામ ફેરિયાઓ સામે રેલ્વે અધિનિયમ ૧૪૧(૧) હેઠળ ગુનો નોંધી તેઓની પાસેથી ૩૦ હજારથી વધુનો દંડ કર્યો હતો. આગામી દિવસોમાં પણ વેકેશન દરમિયાન આ અભિયાન ચાલુ રાખવામાં આવશે તેમ રેલવે તંત્રએ જણાવ્યું હતું.