નવી દિલ્હી: ૨૦૨૦ના કમનસીબ વર્ષમાં વિરાટ કોહલી ભલે બધા ફૉર્મેટના બૅટિંગ-રૅટિંગ્સમાં ટોચ પર ન રહી શક્યો, પરંતુ વર્ષ દરમિયાન ટ્વિટર પર સૌથી વધુ છવાઈ રહેલા ભારતીય ઍથ્લેટોમાં આ ભારતીય કૅપ્ટને મોખરાનું સ્થાન મેળવ્યું છે. ૨૦૨૦માં ટ્વિટર પર ભારતીય ક્રિકેટરો, અન્ય ખેલાડીઓ તથા ઍથ્લેટોમાં કોહલી વિશે સૌથી વધુ ચર્ચા થઈ છે. કોહલીએ મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્માને પાછળ પાડીને આ અવ્વલ સ્થાન મેળવ્યું છે. વિરાટ ઑસ્ટ્રેલિયા સામે પહેલી જ ટેસ્ટ રમવાનો છે એમ છતાં તે હજીયે છવાયેલો રહેશે, કારણકે જાન્યુઆરીમાં તે પ્રથમ બાળકનો પિતા બનવાનો છે. તેની ઍક્ટ્રેસ-પત્ની અનુષ્કા આવતા મહિને પ્રથમ બાળકને જન્મ આપશે. ભારતીય મહિલાઓમાં કુસ્તીબાજ ગીતા ફોગાટે આ યાદીમાં મોખરાનો ક્રમ મેળવ્યો છે. બૅડ્મિન્ટન ખેલાડીઓ પી. વી. સિંધુ અને સાઇના નેહવાલ અનુક્રમે બીજા તથા ત્રીજા નંબર પર છે.
દરમિયાન, ધોનીએ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ટ્વીટનો આભાર માનતું જે રીટ્વીટ કર્યું હતું એને તમામ રીટ્વીટ્સમાં મોખરાનો ક્રમ મળ્યો છે. દરમિયાન, ભારતમાં વૈશ્ર્વિક ખેલકૂદ સિતારાઓમાંથી સૌથી વધુ ટ્વીટ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, ડેવિડ વૉર્નર અને એ. બી. ડી’વિલિયર્સ વિશે થયા
ગુરુવારથી પ્રથમ ટેસ્ટ: પૃથ્વી કે ગિલ? રિષભ પંત કે સાહા?
ઍડિલેઇડ: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ગુરુવાર, ૧૭મી ડિસેમ્બરે અહીં શરૂ થનારી પ્રથમ ટેસ્ટ (પિન્ક બૉલ ડે-નાઇટ મૅચ)માં સિલેક્શનની બાબતમાં ટીમ-મૅનેજમેન્ટને સુખદ અનુભવ થઈ રહ્યો છે, કારણકે એની પાસે પસંદગી માટે ઘણા ખેલાડીઓ છે. કૅપ્ટન, કોચ અને સિનિયર ખેલાડીઓ ધરાવતા ટીમ-મૅનેજમેન્ટની નજરમાં ઓપનિંગના સ્થાન માટે મયંક અગરવાલ ઉપરાંત કે. એલ. રાહુલ તેમ જ પૃથ્વી શૉ અને શુબમન ગિલ પણ છે. વિકેટકીપર તરીકે વૃદ્ધિમાન સાહા સિનિયર ખેલાડી તરીકે પ્રથમ પસંદગી પામી શકે, પરંતુ તાજેતરની પ્રૅક્ટિસ-મૅચમાં મિડલ-ઑર્ડર બૅટ્સમૅન હનુમા વિહારી ઉપરાંત રિષભ પંતે પણ અણનમ સદી ફટકારી હતી એ તેનો આત્મવિશ્ર્વાસ વધી ગયો છે. જોકે, સાહાને પહેલા પસંદ કરવામાં આવે એવી સંભાવના છે.
બોલિંગમાં જસપ્રીત બુમરાહ અને મોહંમદ શમીના સાથી-બોલર બનવા માટે પેસ બોલરો ઉમેશ યાદવ, મોહંમદ સિરાજ, નવદીપ સૈની તેમ જ સ્પિનરો રવિચન્દ્રન અશ્ર્વિન, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ કતારમાં ઊભા છે. વિરાટ કોહલી કૅપ્ટન અને અજિંક્ય રહાણે વાઇસ-કૅપ્ટન છે. મિડલના બૅટ્સમેનોમાં ચેતેશ્ર્વર પુજારા સૌથી મહત્ત્વનો ખેલાડી છે. દરમિયાન, ઑસ્ટ્રેલિયન ટીમમાં વધુ બે ગાબડાં પડ્યાં છે. ઑલરાઉન્ડર મોઇઝેઝ હેન્રિકેસ ઈજા પામતાં તે પ્રથમ ટેસ્ટમાં નહીં રમે. ફાસ્ટ બોલર શૉન અબૉટ પણ ઈજાને કારણે ટીમની બહાર થઈ ગયો છે.
પ્રથમ ‘હિંદ કેસરી’ કુસ્તીબાજ શ્રીપતી ખંચનાળેનું નિધન
પુણે: જાણીતા કુસ્તીબાજ શ્રીપતી ખંચનાળેનું સોમવારે કોલ્હાપુરની પ્રાઇવેટ હૉસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ ૮૬ વર્ષના હતા અને થોડા દિવસથી બીમાર હતા. સોમવારે સવારે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
ખંચનાળે ૧૯૫૯ની સાલમાં પ્રતિષ્ઠિત ‘હિંદ કેસરી’ ખિતાબ જીત્યા હતા. આ ખિતાબ ભારતીય કુસ્તીમાં સર્વોચ્ચ સન્માન ગણાય છે અને એ ખિતાબ જીતનારા તેઓ પ્રથમ કુસ્તીબાજ હતા.
ખંચનાળેએ એ ટાઇટલ દિલ્હીમાં કુસ્તીબાજ રુસ્તમ-એ-પંજાબ બટ્ટાસિંહને હરાવીને હાંસલ કર્યું હતું. મહારાષ્ટ્ર સરકારે તેમને શિવ છત્રપતિ પુરસ્કારથી પણ સન્માનિત કર્યા હતા. તેઓ બેલગામ જિલ્લામાં રહેતા હતા. તેમને પહેલી વાર તેમના પિતા (જેઓ પણ કુસ્તીબાજ હતા)એ કોલ્હાપુરમાં કુસ્તીની તાલીમ લેવા મોકલ્યા હતા.
ન્યૂ ઝીલૅન્ડ ફરી એક દાવથી જીત્યું:
શ્રેણીમાં ૨-૦થી ક્લીન સ્વીપ કરી
વેલિંગ્ટન: ન્યૂ ઝીલૅન્ડે સોમવારે વેસ્ટ ઇન્ડિઝને સતત બીજી ટેસ્ટમાં એક દાવથી હરાવીને આ સિરીઝમાં ૨-૦થી ક્લીન સ્વીપ કરી હતી. કિવીઓએ પહેલા દાવમાં ૪૬૦ રન બનાવ્યા ત્યાર બાદ કૅરેબિયનો પહેલા દાવમાં ૧૩૧ રને અને ફૉલો-ઑન પછી બીજા દાવમાં ૩૧૭ રને ઑલઆઉટ થઈ ગયા હતા.
કિવીઓએ એક દાવ અને ૧૨ રનથી વિજય મેળવ્યો હતો. તેમણે પહેલી ટેસ્ટ એક ઇનિંગ્સ અને ૧૩૪ રનથી જીતી લીધી હતી. પેસ બોલર ટિમ સાઉધીએ આખી ટેસ્ટમાં કુલ સાત વિકેટ, કાઇલ જૅમીસને પણ કુલ સાત વિકેટ તેમ જ ટ્રેન્ટ બૉલ્ટ તથા નીલ વૅગ્નરે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. હેન્રી નિકોલ્સને મૅન ઑફ ધ મૅચનો અને કાઇલ જૅમીસનને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો. હવે ન્યૂ ઝીલૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે શુક્રવારે ટી-ટ્વેન્ટી સિરીઝ શરૂ થશે.
રણજી ચૅમ્પિયન સૌરાષ્ટ્રમાં ડોમેસ્ટિક સિઝનની તાલીમ શિબિર શરૂ
રાજકોટ: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને સોમવારે જણાવ્યું હતું કે એના તમામ ખેલાડીઓના કોવિડ-૧૯ને લગતા નેગેટિવ રિપોર્ટ આવી ગયા બાદ હવે આગામી ડોમેસ્ટિક સિઝન માટેના ટ્રેઇનિંગ કૅમ્પ શરૂ કરી દેવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર વર્તમાન રણજી ચૅમ્પિયન છે. ૨૦૧૯-’૨૦ની રણજી ફાઇનલમાં એણે બંગાળને હરાવ્યું હતું. એસોસિયેશનના જણાવ્યા મુજબ અહીં એસોસિયેશનના મેદાન પર સરકાર તથા ક્રિકેટ બોર્ડની માર્ગદર્શિકાઓ મુજબ ૧૧મી ડિસેમ્બરે પ્રથમ તાલીમ શિબિર યોજાઈ હતી. એસો.ના પ્રમુખ જયદેવ શાહે આશાવાદ વ્યક્ત કર્યો છે કે સૌરાષ્ટ્રની ટીમ આગામી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતીને નેશનલ ટી-ટ્વેન્ટી ચૅમ્પિયન પણ બનશે.