લોકોની પાસપોર્ટ સેવા સુધી પહોંચ વધુ સરળ બનાવવા માટે ભારત સરકાર દેશના તમામ પ૪૩ સંસદીય મતક્ષેત્રમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવાની તૈયારી કરી રહી છે. ભારતના વિદેશ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન વી.કે.સિંહે આમ જણાવ્યું હતું.
અમેરિકામાં ભારતીય દૂતાવાસમાં આયોજિત પાસપોર્ટ સેવા કાર્યક્રમના શુભારંભ દરમિયાન વી.કે.સિંહે જણાવ્યું હતું કે ભારતની સાથે-સાથે વિદેશમાં પણ કોઇ ભારતીય નાગરિકને પાસપોર્ટ મેળવવામાં મુશ્કેલી ન પડે તે સરકાર સુનિશ્ચિત કરશે.
કેન્દ્રીય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે પાસપોર્ટ સેવા કાર્યક્રમથી ભારતમાં પાસપોર્ટ સેવાઓના વિતરણમાં મોટું પરિવર્તન આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેકટ વિદેશમાં પણ ભારતીય નાગરિકોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવશે. આ સેવા ખરા અર્થમાં નાગરિકો માટે જ છે. તેમણે જણાવ્યું હતું કે નવી સિસ્ટમથી પાસપોર્ટ માટે અરજી કરવી હવે સરળ બની જશે.
પાસપોર્ટ બનાવવાના કામમાં કેટલી પ્રગતિ થઇ છે તેનો પણ ટ્રેક રાખી શકાશે. વી.કે.સિંહે જણાવ્યું હતું કે સરકારની યોજના માર્ચ-ર૦૧૯ સુધીમાં દેશના તમામ પ૪૩ સંસદીય મતક્ષેત્રમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર સ્થાપવાની છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે અમારી યોજના ભારતમાં પ્રત્યેક મુખ્ય પોસ્ટ ઓફિસમાં એક પાસપોર્ટ સેવા કેન્દ્ર રાખવાની છે કે જેથી લોકોને પાસપોર્ટ સેવા માટે પ૦થી ૬૦ કિ.મી. દૂર જવું પડે નહીં.
તેમણે જણાવ્યું હતું કે ર૦૧૭માં પાસપોર્ટ સાથે સંકળાયેલી સેવામાં ૧૯ ટકાનો વધારો થયો છે. માસિક આધારે અરજી જમા થવાનો આંકડો પ્રથમ વાર ૧૦ લાખને વટાવી ગયો છે.