* દવાઓ તેમજ દર્દીઓને સાથે લાવ્યા હોવાનો ઉડાઉ જવાબ મળ્યો
રાજકોટ: શહેરની જિલ્લા પંચાયત કચેરી ખાતે આરોગ્ય વિભાગના વિભાગીય નાયબ નિયામક દ્વારા સૌરાષ્ટ્રના સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષકોની એક મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં વિવિધ તાલુકાના આરોગ્ય કેન્દ્રમાંથી ડૉક્ટર્સ આવી પહોંચ્યા હતા. પરંતુ સૌથી આંચકાજનક વાત તો એ છે કે, આ પૈકીના કેટલાક તબીબો દર્દીઓને રઝળતા મુકી જે-તે વિસ્તારની એમ્બ્યુલન્સ લઈને આવી પહોંચ્યા હતા. જેને પગલે સિવિલ હોસ્પિટલ ખાતે જોવા મળતા એમ્બ્યુલન્સના થપ્પા જિલ્લા પંચાયત કચેરીએ જોવા મળ્યા હતા.
જે-તે તાલુકાના દર્દીઓ અંગે કંઇ વિચાર્યું નહીં
નાના તાલુકાઓમાં અપૂરતી સુવિધાઓને કારણે વારંવાર દર્દીઓને નજીકની મોટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવતા હોય છે. જેથી સરકારે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. પરંતુ કેટલાક ડૉક્ટર્સ આ એમ્બ્યુલન્સ જાણે પોતાની સગવડ માટે હોય તેમ દૂર-દૂરથી એમ્બ્યુલન્સ લઈને આવી પહોંચ્યા હતા.આમ જે-તે તાલુકાના દર્દીઓનું શું થશે? તે પણ એક મોટો સવાલ ઉભો થાય છે.
જિલ્લા પંચાયતના જવાબદારો કંઇ બોલ્યા નહીં
તેમજ આ તબીબોએ એમ્બ્યુલન્સનો પોતાના અંગત કામ માટે કેમ ઉપયોગ કર્યો ? એવી પણ લોકોમાં ચર્ચા ચાલી રહી છે. આ અંગે જિલ્લા પંચાયતના જવાબદારોએ કંઈ બોલવાની તસ્દી લીધી ન હતી. પરંતુ આ અંગે એમ્બ્યુલન્સ સાથે આવેલા લોકોને પૂછતાં દવાઓ તેમજ દર્દીઓને સાથે લાવ્યા હોવાનો ઉડાઉ જવાબ આપ્યો હતો.